PM મોદી 9મીથી બે દિવસીય ચીનના પ્રવાસેઃ જિનપિંગ સાથે કરશે મંત્રણા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ચીનના પ્રવાસે જવા રવાના થશે.જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન(એસસીઓ)ની બેઠકમાં ભાગ લેશે. જોકે આ પહેલા મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મંત્રણા કરશે. આ રીતે ૪૩ દિવસમાં આ બંને નેતા વચ્ચે બીજી મુલાકાત થશે.

તાજેતરમાં જ ચીનના સરકારી મીડિયાએ આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાતને ભારત અને ચીન વચ્ચેના સંબંધોને લઈને ખૂબ જ મહત્વની ગણાવી છે. આ અગાઉ પણ ગત ૨૭ અને ૨૮ એપ્રિલે બુહાનમાં મોદી અને જિનપિંગ વચ્ચે અનૌપચારિક મુલાકાત થઈ હતી.

ત્યારબાદ હવે આવતી કાલે ફરી આ બંને નેતા વચ્ચે મુલાકાત થવાની છે. ત્યારે ચીનમાં ભારતના રાજદૂત ગૌતમ બમ્બાવાલેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી અને જિનપિંગ વચ્ચેની આ મુલાકાતથી બંને દેશના સંબંધોમાં જણાતાં અંતરમાં ઘટાડો થશે.

ત્યારે બીજી તરફ શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક બે દિવસ ચાલવાની હોવાની વડા પ્રધાન મોદી આ બેઠકમાં હાજરી આપવા આવનારા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પણ મળશે. આ રીતે પુતિન અને મોદી ૨૦ દિવસમાં ફરી મળશે. ગત ૨૧ મેએ જ મોદી રશિયાના સોચ્ચી શહેરમાં પુતિનને મળ્યા હતા.

રશિયાએ પણ ગત વર્ષે ભારતને શાંઘાઈ સહયોગ સંગઠનમાં સામેલ કરાવવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો.  આ ઉપરાંત શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં આ વખતે ઈરાન પણ સામેલ થઈ રહ્યું છે.

You might also like