મોદીની સરપ્રાઈઝ મુલાકાતઃ ભારત-પાક. સંબંધોની સુધારણા માટે રોડમેપ તૈયાર

‘અબ તો યહાં આના-જાના લગા રહેગા.’
‘વ્હાય નોટ. ધીસ ઈઝ યોર હાઉસ.’

કોઈ બે સ્વજનો સાથે વાતચીત થતી હોય એવો આ સંવાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચેનો છે. કાબુલથી દિલ્હી પાછા ફરતાં વચ્ચે સરપ્રાઈઝ મુલાકાત માટે લાહોર પહોંચી ગયેલો મોદીનો કાફલો લાહોરના વિમાન મથકે ઊતર્યો ત્યારે મોદીના સ્વાગત માટે નવાઝ શરીફ ત્યાં હાજર હતા. ગાર્ડ ઓફ ઓનરના નિરીક્ષણ બાદ તુરત જ ત્યાંથી હેલિકોપ્ટર મારફતે નવાઝ શરીફ મોદીને જતીઉમરા ખાતેના તેમના નિવાસસ્થાને લઈ ગયા હતા.

ભવ્ય હવેલીમાં માંગલિક પ્રસંગની સજાવટ હતી.પરિવારનાં લોકો સાથે પરિચય કરાવાયો ત્યારે મોદીએ સ્વાભાવિક જ પૂછી લીધું કે, ‘તમારો સમગ્ર પરિવાર અહીં રહે છે?’ શરીફે કહ્યું કે, ‘હા, ૭૦થી ૮૦ સભ્યોનો પરિવાર અહીં જ રહે છે.’ એ પછી મોદીએ ઉપરનો સંવાદ કહ્યો અને પ્રત્યુત્તરમાં અસ્સલ ભારતીય લહેકામાં શરીફે વિવેક કર્યો – ‘શા માટે નહીં. આ તમારું જ ઘર છે!’ બંને વચ્ચે કેટલી અનૌપચારિકતાથી અને કેવા સૌજન્યપૂર્ણ માહોલમાં વાતચીત થઈ હશે તેનું અનુમાન આ સંવાદ પરથી થઈ શકે છે.

વડાપ્રધાન મોદી તો એ દિવસે ૨૫ ડિસેમ્બરે નવાઝ શરીફનો જન્મદિવસ હોવાથી સવારે શુભેચ્છા માટે કરેલા ફોન પર શરીફે વચ્ચે પાકિસ્તાન રોકાણ કરીને દિલ્હી જવાનું આમંત્રણ આપતાં મોદીએ એટલી જ સાહજિકતાથી તેનો સ્વીકાર કરી લીધો એ સમગ્ર ઘટનાક્રમે બે પાડોશીની માફક બે પાડોશી દેશના વડા પણ ધારે તો એવી જ અનૌપચારિકતા વિના મળી શકે છે એ પુરવાર કરી દીધું. ભારતના રાજદ્વારીઓ અને રાજકારણીઓ સહિત સમગ્ર વિશ્વના રાજદ્વારીઓ માટે આ એક અનોખા પ્રકારની મુત્સદ્દીગીરી હતી.

ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો આ રીતે પણ મળી શકે એવું કોઈ ક્યારેય કલ્પી પણ ન શકે. ડિપ્લોમસીમાં જેને ‘આઉટ ઓફ બોક્સ’ કોઈ પહેલ કરવાનું કહેવામાં આવે છે એવી પહેલ મોદીએ કરી. ભારતમાં કેટલાકે તેને દુઃસાહસ ગણાવ્યું છે, પરંતુ વિદેશી બાબતોના નિષ્ણાતો અને રાજદ્વારી નિરીક્ષકોનો અભિપ્રાય એવો રહ્યો છે કે, ઘણી વખત ઔપચારિક કે સત્તાવાર મિટિંગ-મુલાકાત જે કામ ન કરી શકે એવું કામ આવી સરપ્રાઈઝ મુલાકાત દ્વારા થઈ શકે છે. મોદી-શરીફ મુલાકાતમાં પણ આવી જ સંભાવનાઓ જોવાઈ રહી છે અને તેમાં કશું ખોટું પણ નથી.

ભારતમાં કોંગ્રેસના કેટલાક અગ્રણીઓએ એવી શંકા કરી છે કે, આ મુલાકાત પૂર્વયોજિત હતી. આવી વાતો દ્વારા ભારતીય લોકોમાં વિભ્રમ ઊભો કરવાનું યોગ્ય નથી. મુલાકાતનો આ રીતે વિરોધ કરવાનું પણ યોગ્ય નથી. પાકિસ્તાનના વિદેશ સચિવે જ આ મુલાકાત કઈ રીતે શક્ય બની તેનો ઘટનાક્રમ પત્રકારો સમક્ષ વર્ણવ્યો હતો એ પ્રમાણે સવારે દસેક વાગ્યે જ આ ઘટનાક્રમની શરૂઆત થઈ હતી, જ્યારે મોદીએ શરીફને શુભેચ્છા માટે ફોન કર્યો હતો અને જ્યારે ભારતના વડાપ્રધાન લાહોર આવે છે એવું સત્તાવાર રીતે જાહેર થયું ત્યારે પાકિસ્તાન ખાતેના ભારતના હાઈ કમિશનર જે સવારે પોતાનાં અન્ય કામોમાં રોકાયેલા હતા એ અને પાકિસ્તાનના વિદેશ સચિવે તત્કાલ શરીફના નિવાસસ્થાન જતીઉમરા જવા તરત રવાના થવું પડ્યું હતું.

પાકિસ્તાનના વિદેશ સચિવ એજાઝ ચૌધરીએ જેને સદ્ભાવના મુલાકાત તરીકે વર્ણવી છે એવી મોદીની આ સરપ્રાઈઝ લાહોર મુલાકાતે વાસ્તવમાં બંને દેશો વચ્ચેના સંબંધો માટે અસાધારણ રીતે માહોલ સુધારવાનું અને સર્જવાનું કામ કર્યું છે. પાકિસ્તાનમાં ભારત વિરોધી ઝુંબેશમાં વ્યસ્ત રહેતા ઉગ્રવાદીઓને તેનાથી લપડાક લાગી છે અને તેઓ હતાશામાં ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે બીજી બાજુ બંને દેશોએ આગામી વિદેશ સચિવ કક્ષાની દ્વિપક્ષીય મંત્રણાનો તખ્તો ગોઠવવા માંડ્યો છે. આ વખતે પાકિસ્તાની સૈન્યનું વલણ પણ સાનુકૂળ જણાઈ રહ્યું છે.

મુત્સદ્દીગીરીની મોદી સ્ટાઈલ સમાન આ સરપ્રાઈઝ વિઝિટથી આશ્ચર્યચકિત થયેલા વિશ્લેષકોએ સતત એક વાત કહી છે કે, આ મુલાકાત પછી હવે બંને દેશો વચ્ચે મંત્રણા અને સંબંધોમાં નક્કર પ્રગતિ થવી જોઈએ. તેમને કદાચ આ વિશે શંકા હશે, પણ હકીકત એ છે કે, બંને વડાપ્રધાનોની આ મુલાકાતને પગલે જ માત્ર વિદેશ સચિવ કક્ષાની મંત્રણા જ નહીં તો ૨૦૧૬ના સમગ્ર વર્ષ દરમિયાન બંને દેશો વચ્ચે યોજાનારી તબક્કાવાર મંત્રણા-મુલાકાતનો કાર્યક્રમ નિર્ધારિત થઈ ચૂક્યો છે.

૧૨ જાન્યુઆરીથી ઈસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળનારા ગૌતમ ભામ્બવાલે અત્યારથી ૧૫ જાન્યુઆરીની વિદેશ સચિવ કક્ષાની મંત્રણા માટેની તૈયારીમાં લાગી ગયા છે. વિદેશ સચિવોે તેમના કાર્યક્ષેત્ર હેઠળ આવતી શાંતિ અને સલામતી તેમજ કાશ્મીર બાબતોની ચર્ચા તો કરશે જ સાથોસાથ તેઓ ગૃહ સચિવ, વાણિજ્ય સચિવ અને પ્રવાસન સચિવોને મળીને સરક્રીક, વુલ્લર બરાજ, તુલબુલ નેવિગેશન પ્રોજેક્ટ, આર્થિક-વ્યાપારિક સહકાર, ત્રાસવાદના પ્રતિકાર, માદક દ્રવ્યોની હેરાફેરી પર નિયંત્રણ, માનવીય બાબતો, ધાર્મિક પ્રવાસન અને લોકોના આદાન-પ્રદાન સહિતના બધા મુદ્દાઓની ચર્ચા કરશે.

બંને દેશોના સુરક્ષા સલાહકારો વચ્ચે પણ મંત્રણા યોજાશે જે ત્રાસવાદ પર કેન્દ્રિત રહેશે. મિલિટરી ઓપરેશનના ડિરેક્ટર જનરલો પણ તેમની પડતર મંત્રણા માટે મળશે. ફેબ્રુઆરીમાં નવાઝ શરીફના ભાઈ અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાન શાહબાઝ શરીફ ભારત આવશે. માર્ચમાં મોદી અને શરીફ વોશિંગ્ટનમાં અણુ સુરક્ષા શિખર સંમેલનમાં મળશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાણિજ્ય અને ગૃહપ્રધાનો વચ્ચે મંત્રણા થશે.

નવેમ્બરમાં મોદી અને સુષ્મા સ્વરાજ સાર્ક સંમેલનમાં ભાગ લેવા ઈસ્લામાબાદ જશે. ડિસેમ્બરમાં ભારતમાં યોજાનારી એશિયા કોન્ફરન્સમાં પાકિસ્તાનના પ્રતિનિધિઓ આવશે. આ કોન્ફરન્સ અફઘાનિસ્તાન અંગે હશે. આમ, મોદીની સરપ્રાઈઝ મુલાકાતના બોલ્ડ પગલાં પછી જો બધું સમુસુતરું ચાલે તો ૨૦૧૬ના વર્ષમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં નક્કર પ્રગતિ સાધી શકાય એવો રોડમેપ તૈયાર થઈ ગયો છે.

You might also like