મોદીની અધ્યક્ષતામાં અાજે સોમનાથ ટ્રસ્ટની બેઠક

અમદાવાદ: આજે સાંજે ૪ કલાકે દિલ્હી ખાતે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક મળી રહી છે. ટ્રસ્ટના અધ્યક્ષ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મળી રહેલી આજની બેઠકમાં સોમનાથ મંદિરના વહીવટ તથા ભાવિ યોજનાની ચર્ચા થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ગુજરાતના સાંસદ લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલની ઉપસ્થિતિમાં ટ્રસ્ટની બેઠક મળશે. અાજે મળી રહેલી ટ્રસ્ટની બેઠકમાં ટ્રસ્ટ કમિટીમાં ખાલી પડેલી એક બેઠકમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલનો ટ્રસ્ટના સભ્ય તરીકે સમાવેશ કરવામાં અાવે તેવું અાધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ પણ અાજે દિલ્હીમાં છે. તેઓ પણ આજે પી.એમ. મોદી સાથે બેઠક કરશે. વિધાનસભાની ચૂંટણી માટે ખુદ મોદી સક્રિય થયા છે એટલે જ સરકારની રચના સમયે જાતિ અને જ્ઞાતિનાં સમીકરણોને ધ્યાને રાખી નેતાઓની પસંદગી કરાઇ છે.

અાજે પક્ષના સિનિયર નેતાઓ દિલ્હીમાં જે બેઠક કરશે તેનાં પરિણામ સ્વરૂપ સંગઠનની રચના અને બોર્ડ નિગમની ખાલી પડેલી જગ્યા પરની નિયુક્તિ આવતા સપ્તાહે થવાની શક્યતા છે. જ્યારે બીજી તરફ પાટીદારોનો સુરતના અભિવાદન સમારોહમાં જાહેર થયેલો અસંતોષ, નારાજગી અને ચૂંટણી પહેલાં મનાવી લેવા ડેમેજ કંટ્રોલ કવાયતની રણનીતિ પણ નક્કી થશે.

You might also like