કોંગ્રેસ સંસદમાં અવરોધ ઊભા કરે છેઃ મોદી

મોરાન(આસામ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો કે ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજયનો બદલો લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી સંસદની કાર્યવાહી ખોરવી રહ્યા છે અને તેને લીધે ગરીબોના કલ્યાણ માટેના બિલો અટવાયેલા પડ્યા છે. તેમણે પૂર્વોત્તરના રાજ્યોના વિકાસ માટે નવા વિકાસ મોડેલની તરફેણ કરી હતી, જેથી કેન્દ્ર સરકારની ‘એક્ટ ઈસ્ટ’ નીતિ હેઠળ આ પ્રદેશની શક્તિની સાથે પડોશી દેશોની ‘સામુહિક શક્તિ’નો પૂરો ઉપયોગ કરી શકાય.

દરમ્યાન, નવી દિલ્હીથી મળતા અહેવાલ મુજબ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમનો પક્ષ માત્ર ત્રણ કે ચાર ઉદ્યોગપતિઓના હિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકાર ચલાવવા દેશે નહીં. આ વર્ષે જ્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે આસામમાં ચાના બગીચાના કામદારોને સંબોધતા મોદીએ આક્ષેપ કર્યો હતો કે ‘એક પરિવાર’ ‘નકારાત્મક રાજકારણ’માં વ્યસ્ત છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ સિવાય વિપક્ષોમાં અન્ય નેતાઓ છે જેઓ તેમનો વિરોધ કરતા હોવા છતાં સંસદ સુચારુ રૃપે ચાલે તેવું ઈચ્છે છે.

કોંગ્રેસનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું, ‘જેમનો ચૂંટણીમાં (૨૦૧૪માં) પરાજય થયો હતો અને ૪૦૦ની સંખ્યા પરથી ૪૦ પર આવી ગયા છે તેમણે મોદીને કામ નહીં કરવા દેવાનો નિર્ણય કર્યો છે. તેમણે અવરોધો અને મુશ્કેલીઓ ઊભી કરવાનું નક્કી કર્યું છે. તેને માટેનું ષડયંત્ર હજુ પણ ચાલુ જ છે. ‘ એક જાહેર સભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું,’ કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવા માટેનું મતદાન કરવા બદલ હવે તેમણે લોકો સામે, ગરીબ કામદારો સામે બદલો લેવાનું નક્કી કર્યું છે. સંસદના છેલ્લાં બે સત્રમાં ખાસ કામગીરી ન થઈ શકી હોવાથી જીએસટી સહિતના આર્થિક સુધારાના પગલાં પડતર રહ્યા હોવાના સંબંધમાં મોદીએ આ ટિકા કરી હતી.આગામી ૨૩મી ફેબ્રુઆરીથી શરૃ થતાં બજેટ સત્રમાં સરકાર આ બિલો ફરી રજૂ કરે તેવી શક્યતા છે.

મોદીએજણાવ્યું હતું કે દેશના પૂર્વોત્તર અને પૂર્વી રાજ્યોનો વિકાસ એ તેમની સરકાર માટે પ્રાથમિકતાની બાબત છે. લેપેટકાટા ખાતે બ્રહ્મપુત્ર ક્રેકર પોલિમર લિમિટેડ અને નુમાલિગઢ રિફાઈનરીના મીણ પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ મોદીએ કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યોના વિકાસ માટે નવું વિકાસ મોડેલ જરૃરી છે. જેથી આ પ્રદેશની સાથે મ્યાંમાર,થાઈલેન્ડ, સિંગાપુર, મલેશિયા અને ઈન્ડોનેશિયાની સામુહિક શક્તિને હાંસલ કરી શકાય.

દરમ્યાન, નવી દિલ્હીથી મળતા અહેવાલ મુજબ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમનો પક્ષ માત્ર ત્રણ કે ચાર ઉદ્યોગપતિઓના હિત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરકાર ચલાવવા દેશે નહીં. તેમણે ઉમેર્યું,’ અમે તેમના પર દબાણ લાવીશું જેથી તેઓ ગરીબ લોકો અને ખેડૂતો પ્રત્યે ધ્યાન આપે.’ રાહુલે પોતાના વચનોનું પાલન ન કરવા બદલ ‘બહાના કાઢવાનો’ વડાપ્રધાન મોદી પર આક્ષેપ કર્યો હતો.

રાહુલે જણાવ્યું’પોતાના વચનો ન પાળી શકવા બદલ વડાપ્રધાન છેલ્લા દોઢ વર્ષથી બહાના બનાવી રહ્યા છે. વડાપ્રધાનનું કામ દેશ ચલાવવાનું છે, બહાના કાઢવાનું નહીં. એનડીએ સરકાર યોગ્ય કામગીરી કરી રહી નથી તેવો મોટા ઉદ્યોગકારો અમારી સમક્ષ બળાપો કાઢી રહ્યા છે.’

You might also like