મોદી કોને સોંપશે ગુજરાત?

ગાંધીનગર: રાજ્યનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ગઇ કાલે તેમના રાજીનામાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર પક્ષ હાઇકમાન્ડને લખ્યા બાદ ગઇ કાલ રાતથી ભાજપમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઇ છે. મુખ્યપ્રધાનનું નિવાસસ્થાન રાજકીય ચહલપહલથી ધમધમી ઊઠ્યું છે. બપોરથી મોડી રાત સુધી આનંદીબહેનને મળવા માટે પ્રધાનો અને પક્ષના આગેવાનોએ ભીડ જમાવી હતી. આજ સવારથી જ હવે પછી શું અને નવા મુખ્યપ્રધાન કોણ? એવી ચર્ચાથી સોશિયલ મીડિયા સહિત રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ગુજરાતના વર્તુળોમાં હાલ વાહન વ્યવહાર પ્રધાન વિજય રૂપાણી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું નામ સૌથી અાગળ ચાલી રહ્યું છે.

આનંદીબહેનના રાજીનામા બાદ ગુજરાતની હવે પછીની સ્થિતિનો ચિતાર લેવા ભાજપના ગુજરાતના પ્રભારી વી. સતીશ ગાંધીનગર આવી ચૂક્યા છે. આજે દિલ્હી ખાતે મળેલી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં હવે પછીના મુખ્યપ્રધાન સહિત સંગઠનમાં પણ ફેરફાર અંગેનો મુદ્દો અગ્રિમતાના ધોરણે હાથ પર લેવાયો હતો.

આજે મળેલી દિલ્હી ખાતેની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સંગઠનમાં ફેરફાર અને ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના નામ માટે ચર્ચા હાથ ધરાઇ હતી, જોકે તેનો નિર્ણય આવતી કાલે જ જાહેર કરાશે. આજની બેઠકમાં પાટીદાર, દલિત, આદિવાસી ફેક્ટરને ધ્યાને લેવાયું હતું. વર્ષ ર૦૧૭ની ચૂંટણી ધ્યાનમાં રાખીને જ દિલ્હી હાઇકમાન્ડ દ્વારા આવતી કાલે આનંદીબહેનના અનુગામી અંગેનો નિર્ણય જાહેર કરાશે.

આજની સંસદીય બોર્ડની બેઠક બાદ આવતી કાલે ગાંધીનગર ખાતે મળનાર કેબિનેટ બેઠક મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની છેલ્લી કેબિનેટ બેઠક હશે. ત્યારબાદ પ્રધાનમંડળમાં ફેરફાર સહિત સંગઠનમાં પણ અનેક ફેરફારો સાથે ચૂંટણીલક્ષી સમીકરણો રચાશે.

માત્ર રાજકારણ જ નહીં, સામાન્ય જનતામાં પણ એક જ વિષય ચર્ચાઇ રહ્યો છે. હવે કોણ? જોકે મુખ્યપ્રધાનપદના દાવેદાર તરીકે અત્યારે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, ગુજરાતના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ અને વિધાનસભા અધ્યક્ષ
ગણપત વસાવાનાં  નામો મોખરે છે. દલિત અને પાટીદાર વર્ગમાં ઊભા થયેલા અસંતોષના વાતાવરણ બાદ આદિવાસી વોટબેન્ક સૌથી સલામત ગણાઇ રહી છે. આ સંજોગોમાં નિર્વિવાદિત હાલના વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા પર પસંદગીનો કળશ ઢોળાઇ શકે છે, જોકે સૌરાષ્ટ્રમાં અત્યારે વિજય રૂપાણીનું પલ્લું ભારે છે.

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ અને વાહનવ્યવહાર ખાતાના પ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ છે. તેમના વતન રાજકોટ ખાતે ગઇ કાલે જતાં પહેલાં તેમણે એડ્વાન્સમાં જ ગાંધીનગર ખાતે જન્મદિવસની વધાઇઓ લઇ લીધી હતી. તેમના ઘેર કાર્યકરો અને રાજકીય આગેવાનોનો મેળાવડો જામ્યો છે. એમને જન્મદિવસ ઉપરાંત મુખ્યપ્રધાનપદ મળે તેવી શુભેચ્છાની વર્ષા થઇ રહી છે. લોકો તેમને  વિશ કરી રહ્યા છે કે તેમને જન્મદિને સીએમપદની ભેટ મળે.

આનંદીબહેન પટેલે રાજીનામાનો પત્ર જાહેર કર્યા બાદ દિવસભર તેઓ તેમના નિવાસસ્થાને રહ્યાં હતાં. આજે પણ સવારે રાજ્યમાં વરસાદની સ્થિતિને અનુલક્ષીને સવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં ભાગ લીધા બાદ બાકીના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. દરમ્યાન પુત્રી અનાર, પુત્ર સંજય પટેલ અને પુત્રવધૂ હિના સહિત આનંદીબહેનની સાથે રહ્યાં હતાં. તેમના નજીકનાં કુટુંબીજનો પણ આવતાં રહ્યાં હતાં. નવા મુખ્યપ્રધાનનું નામ જાહેર થઇ ગયા બાદ આનંદીબહેનના હોદ્દાની ગ‌િરમાને અનુરૂપ તેમને પંજાબનાં રાજ્યપાલ બનાવાય તેવી પણ ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

આજની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આનંદીબહેનના અનુગામી વિષે ગમે તેટલી ચર્ચા હાથ ધરાઇ હોય, પરંતુ આખરી નિર્ણય તો પી.એમ. મોદી અને અમિત શાહ જ સાથે મળીને લઇ કોની પસંદગી કરશે તેવું ચર્ચાઇ રહ્યું છે. મોદી હંમેશાં આશ્ચર્યજનક નિર્ણય જાહેર કરવા માટે જાણીતા છે. એક સમયે કેશુભાઇ પટેલને હટાવવાની વાત હતી ત્યારે કોઇને કલ્પના પણ નહોતી કે સંગઠનમાં સતત કામ કરી રહેલા નરેન્દ્ર મોદીને સીધા ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે જાહેર કરાશે.

અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ હેઠળ નરેન્દ્ર મોદીનું નામ મૂકીને તેમણે આશ્ચર્ય સર્જ્યું હતું. હાલમાં ગમે તેટલા સિનિયર પ્રધાનોનાં નામ આનંદીબહેનના અનુગામી તરીકે ચાલી રહ્યાં હોય, પરંતુ તે તમામને બાજુએ મૂકી કોઇ નવો ચહેરો પણ જાહેર થાય તેવી શક્યતા નકારી શકાય નહીં. ફરી એક વાર મોદી નવો ચહેરો પસંદ કરી આશ્ચર્ય સર્જી શકે છે.

You might also like