નરેન્દ્ર મોદી મારા મિત્ર છે, હું તેમને ખૂબ જ પસંદ કરું છુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના પત્રકાર બોબ વુડવર્ડના પુસ્તક ‘ફિયરઃ ટ્રમ્પ ઇન ધ વ્હાઇટ હાઉસ’માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટાંકીને જણાવાયું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે અને હું તેમને ખૂબ જ પસંદ કરું છું. આ પુસ્તકમાં ટ્રમ્પ આવ્યા બાદ વ્હાઇટ હાઉસની કથળેલી કામગીરી અંગે પણ ઘટસ્ફોટ કરવામાં આવતાં તેને લઇને વિવાદ છેડાયો છે.

લેેખકનો દાવો છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર માને છે. મોદીએ જ ડોનાલ્ડ ટ્રમ્પને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાને કંઇ હાંસલ થશે નહીં.

ડોનાલ્ડ ટ્રમ્પને અરાજક, ચંચળ અને અસ્થિર મગજના દર્શાવનાર આ પુસ્તકને કારણે ભારે વિવાદ છેડાયો છે. વ્હાઇટ હાઉસે આ પુસ્તકને બકવાસ ગણાવીને તેમાં મનઘડંત વાતો કરી હોવાનું જણાવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પુસ્તકને એક પ્રકારની મજાક સમાન ગણાવ્યું છે.

પત્રકાર બોબ વુડવર્ડના જણાવ્યા પ્રમાણે ર૬ જૂને મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઇ હતી. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે મોદીએ મને એવું કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરવાથી અમેરિકાને કંઇ મળવાનું નથી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પની ત્યાંના કીમતી ખનીજ પદાર્થ પર નજર છે. અમેરિકા પોતાની મદદના બદલામાં અફઘાનિસ્તાન પાસેથી કીમતી ખનીજ પદાર્થ મેળવવા ઇચ્છે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી મોદી મદદ કરી રહ્યા છે ત્યાં સુધી પાકિસ્તાનને લશ્કરી સહાય બંધ કરી દેવી જોઇએ. મોદી અને ટ્રમ્પની મુુલાકાતના છ મહિના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ૧ જાન્યુઆરીના રોજ ટ્વિટ કરીને પાકિસ્તાનને આપવામાં આવતી તમામ લશ્કરી સહાય અટકાવી દેવાની જાહેરાત કરી હતી.

You might also like