મોદી સરકારે સોનિયા વિરુદ્ધ પુરાવા માગ્યા હતાઃ વિદેશી એજન્ટનો આક્ષેપ

નવી દિલ્હી: ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં મોદી સરકાર પર સોનિયા ગાંધી અને તેમના ફેમિલી વિરુદ્ધ પુરાવા માગવાનો આક્ષેપ થયો છે. અેક મીડિયા રિપોર્ટ અનુસાર સોનિયા ગાંધી વિરુદ્ધ પુરાવાના બદલામાં ઇટાલીના બે મરિન્સને છોડી મૂકવાની વાત પણ કરવામાં આવી હતી.

બ્રિટનના એક શસ્ત્ર એજન્ટ ક્રિશ્ચિયન માઇકલે એવો આક્ષેપ કર્યો છે કે મોદી સરકારે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તેમના પરિવાર વિરુદ્ધ પુરાવા આપવાના બદલામાં ઇટાલી સરકારને તેના બે મરિન્સને છોડી મૂકવાની ઓફર કરવામાં આવી હતી.

માઇકલે એવો દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના વડા પ્રધાન માટિયો રેન્જિને ગઇ સાલ સપ્ટેમ્બરમાં ન્યૂયોર્ક ખાતે સંયુકત રાષ્ટ્રસંઘના અધિવેશન દરમિયાન મળ્યા હતા અને આ મુલાકાત દરમિયાન તેમને આવી ઓફર કરી હતી.

પોતાના વકીલ દ્વારા લખવામાં આવેલા પત્રમાં માઇકલે જણાવ્યું છે કે ન્યૂયોર્કમાં બંને વડા પ્રધાનો વચ્ચે થયેલી મુલાકાતમાં મરિન બાબતે ચર્ચા થઇ હતી. એક અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ કોંગ્રેસે આ મામલે પીએમઓ પાસે ખુલાસો માગ્યો છે. જોકે વિદેશ મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરૂપે જણાવ્યું હતું કે આ આક્ષેપો એટલા હાસ્યાસ્પદ છે કે તેના પર કોઇ ટિપ્પણી કરવી જરૂરી નથી.

You might also like