મોદીની વિદેશનીતિમાં પરિવર્તનઃ ‘નામ’ શિખરમાં ભાગ નહીં લે?

નવી દિલ્હી: ભારતની વિદેશનીતિમાં મોટા પાયે બદલાવની ચર્ચા વચ્ચે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને વેનેઝુએલામાં યોજાનારી નોન-અલાઈન્ડ મૂવમેન્ટ (નામ)ની શિખર બેઠકમાં ભાગ લેશે નહીં. કેન્દ્ર સરકારનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં ભાગ લેવા માટે મોદીને કેટલાંય સપ્તાહ પહેલાં આમંત્રણ મળી ચૂક્યું છે, પરંતુ મોદીએ હજુ સુધી તેનો કોઈ પ્રતિસાદ આપ્યો નથી.

નોન-અલાઈન્ડ મૂવમેન્ટમાં ભારતની મહત્ત્વની ભૂમિકા હોવાના કારણે યજમાન દેશ વેનેઝુએલાના વિદેશ પ્રધાન ડેલ્સી રોડ્રિગ ભારત આવીને મોદીને ફરીથી બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ આપશે. તેમની સાથે વેનેઝુએલાના ઓઈલ મિનિસ્ટર પણ હશે.

જો મોદી આ બેઠકમાં હાજરી નહીં આપે તો આ બીજી ઘટના હશે કે જ્યારે ભારતના વડા પ્રધાન આ બેઠકમાં ભાગ લેશે નહીં. અગાઉ ૧૯૭૯માં કાર્યકારી વડા પ્રધાન ચરણસિંહે પણ હવાનામાં આયોજિત ‘નામ’ની બેઠકમાં ભાગ લીધો ન હતો. આ અલિપ્ત ચળવળમાં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુનું મોટું યોગદાન હતું.

બિનજોડાણવાદી આંદોલનની શરૂઆત ૧૯૬૧માં બેલગ્રેડ ખાતે થઈ હતી. તેનો હેતુ બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા અને સોવિયત સંઘ વચ્ચે બે જૂથોમાં વહેંચાયેલી દુનિયામાંથી કોઈ પણનો પક્ષ લેવાના બદલે અવિકસિત અને વિકાસશીલ દેશોના નેજા હેઠળ વિશ્વને એકત્ર કરવાનો હતો.

You might also like