જાણો મોદી-નેતન્યાહુનો રોડ શો ખુલ્લી જીપમાં કેમ ના યોજાયો

અમદાવાદ, બુધવાર
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જા‌િમન નેતન્યાહુ તેમના ભારતના પ્રવાસ દરમિયાન આજે અમદાવાદની મુલાકાતે છે. વિશ્વના ત્રીજા મોટા નેતા ગણાતા બેન્જા‌િમન નેતન્યાહુનું સવારે ૧૦-૩૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું તે સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર બંને દિગ્ગજોનું પરંપરાગત સ્વાગત કરાયું હતું.

મુલાકાતને ઐતિહાસિક બનાવવા માટે એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો. સપ્ટેમ્બરમાં ગુજરાતની મુલાકાતે આવેલા જાપાનના વડા પ્રધાન સિન્ઝો આબેની સાથે વડા પ્રધાન મોદીએ ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો, જ્યારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સુરક્ષાનેે ધ્યાનમાં રાખીને ખુલ્લી જીપના બદલે બંધ ગાડીમાં સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે તેઓએ ર૦ મિનિટ જેટલો સમય ગાળ્યો હતો.

એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીના આઠ કિલોમીટરના રોડ શો દરમિયાન પ૦થી વધુ સ્ટેજ પર કલા અને સાંસ્કૃતિક વારસાની પ્રસ્તુતિ મહાનુભાવોના અભિવાદન માટે કલાકારોએ કરી હતી લોકોએ પણ બંને મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું.

ભારતમાં રહેતા યહૂદીઓ પણ બંને દિગ્ગજોના સ્વાગત માટે રોડ શોમાં જોડાયા હતા. ગાંધીઆશ્રમમાં બંનેએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ‘હૃદયકુંજ’ની મુલાકાત લઇને બેન્જા‌િમન નેતન્યાહુએ ગાંધીજીની ઓળખ સમાન ચરખો કાંત્યો હતો. ઉપરાંત આશ્રમની મુલાકાત લઇને તસવીરો સાથેના પ્રદર્શનને નિહાળ્યું હતું. ગાંધીઆશ્રમ તરફથી નેતન્યાહુને ‘સત્યના પ્રયોગો’ પુસ્તક સ્મૃતિચિહ્નરૂપે ભેટ કરાયું હતું.

કેટલાંક સ્ટેજ પર ઇઝરાયલ અને ભારતના નાના રાષ્ટ્રધ્વજ ફરકાવાયા હતા તેમજ હજારોની સંખ્યામાં ફુગ્ગા ઉડાવાયા હતા. ગાંધીઆશ્રમથી ફરી એ જ રૂટ પરથી બંને નેતાઓનો કાફલો એરપોર્ટ પહોંચ્યો હતો. ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા તેઓ બાવળા જવા રવાના થયા હતા. ૧ર-૩૦ કલાકે બાવળા ખાતે આઇક્રિએટ સેન્ટરનું ઇઝરાયલના વડા પ્રધાનની ઉપ‌સ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું.

બંને મહાનુભાવોએ ત્યાં સંબોધન કર્યું હતું. પ૦ સાહસિકોને એવોર્ડ એનાયત કર્યા હતા અને બે દિવસીય પ્રદર્શનને ખુલ્લું મૂકયું હતું. ત્યાર બાદ સ્ટાર્ટઅપ પ્રોજેકટ પર સાહસિકો સાથે સંવાદ કર્યો હતો અને ત્યાર પછી ૧પ૦૦થી વધુ ઉદ્યોગકારો સાથે પરંપરાગત ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો.

You might also like