જાપાન-અમેરિકા અને ભારતનો સાથ એટલે JAI-જીત: G-20 સમિટમાં PM મોદી

બ્યૂનસ આયર્સ: આર્જેન્ટિનાના બ્યૂનસ આયર્સમાં જી-20 શિખર સંમેલનમાં અમેરિકા અને જાપાનના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જય’ (JAI – જાપાન, અમેરિકા, ઈન્ડિયા)નો નારો આપ્યો હતો. જાપાન, અમેરિકા અને ભારત વચ્ચે ત્રિપક્ષીય મુલાકાત થઈ હોય એવો આ પહેલો મોકો છે, જેમાં પીએમ મોદી ઉપરાંત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડા પ્રધાન શિન્જો આબે પણ હાજર રહ્યા હતા અને તેમણે અગત્યના વૈશ્વિક મુદ્દાઓ અને પડકારો પર ચર્ચા કરી હતી.

મોદીએ જણાવ્યું કે જેએઆઈની બેઠક લોકતાંત્રિક મૂલ્યોને સમર્પિત છે. જાપાન, અમેરિકા અને ભારતનો સાથ એટલે જય અને જયનો મતલબ જીત થાય છે. જો ત્રણેય દેશ સાથે મળીને આગળ વધશે તો તેમની જીત સુનિશ્ચિત છે.

આ ત્રણેય દેશ એવા સમયે સાથે ઊભા છે જ્યારે તેમને ટક્કર આપનારા ચીને દક્ષિણ ચીની સમુદ્ર અને પૂર્વ ચીની સમુદ્રમાં વિવાદ ઊભા કર્યા છે. આ બંને ક્ષેત્રો ખનિજ, ઓઈલ અને અન્ય પ્રાકૃતિક સંસાધનોથી ભરપૂર છે. ચીનના આક્રમક વલણ અંગે એશિયાની બે મોટી તાકાત જાપાન અને ભારત ચિંતાતુર છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની પહેલ પર વડા પ્રધાન મોદીએ પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે પણ ત્રિપક્ષીય મુલાકાત કરી હતી.

બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને ભારતમાંથી ફરાર આર્થિક અપરાધિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વડા પ્રધાન મોદીએ જી-20 દેશોને અપીલ કરી હતી. મોદીએ બ્રિક્સના સભ્ય દેશોને આર્થિક અપરાધિઓ અને ભાગેડુઓ સામે સાથે મળીને કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે આવા અપરાધીઓ દુનિયાની આર્થિક સ્થિરતા સામે ગંભીર ખતરો બનેલા છે.

પીએમ મોદીએ કહ્યું કે નાણાકીય કૌભાંડીઓ અને બાગેડુઓ સામે સાથે મળીને પગલાં ભરવાની જરૂર છે. તેમણે આર્થિક અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે જી-20 સંમેલનમાં નવ પોઈન્ટ્સનો એજેન્ડા પણ રજૂ કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ કાળા નાણાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે દુનિયાભરના તમામ વિકાસશીલ દેશો એક થઈને કાળા નાણા સામે કાર્યવાહી કરશે તો જ તેના અસરકારક પરિણામ મળશે. મોદીએ કાળા નાણા ઉપરાંત આતંકવાદ અને નાણાકીય અપરાધોથી દુનિયાને સૌથી મોટો ખતરો હોવાની વાત પણ જણાવી હતી.

મોદીએ કહ્યું કે, આતંકવાદ અને કટ્ટરતાવાદ દુનિયા માટે મોટો ખતરો બન્યા છે. આ તમામ લોકો સામે બધાએ એક થઈને લડવું પડશે. આપણે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય બહુપક્ષીય સંગઠનોને વિકાસશીલ દેશોના હિત માટે એક અવાજમાં રજૂઆત કરવાની છે. આ કારણે જ આજે આપણે સૌ એક મંચ ઉપર સાથે આવ્યા છીએ.

You might also like