મોદી ક્લાઈમેટ ચેન્જ શિખરમાં ભાગ લેવા પેરિસ પહોંચ્યા

પેરિસ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહત્ત્વપૂર્ણ ક્લાઈમેટ ચેન્જ શિખર સંમેલનમાં ભાગ લેવા પેરિસ પહોંચી ગયા છે. આ સમિટ ૩૦ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી ચાલશે. આ મહત્ત્વની સમિટમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનને નિયંત્રિત કરવાના હેતુથી વિવિધ દેશો વચ્ચે એક કાનૂની રીતે ફરજિયાત વૈશ્વિક સમજૂતી થવાની આશા છે.

મોદી ફ્રાંસની રાજધાની પેરિસ પહોંચી ગયા બાદ વિદેશ મંત્રાલયના પ્રવકતા સ્વીકાર સ્વરૂપે ટ્વિટ કર્યું હતું. ‘સલામ પેરિસ’ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોપ ૨૧માં ભાગ લેવા ફ્રાંસ પહોંચી ગયા છે. મોદી આ સમિટમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે. આ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૧૪૭ રાષ્ટ્રના વડા હાજર રહેનાર છે.

ભારતની ગહન અસર પડશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મંચ પર ક્લાયમેટ ચેન્જ અંગે ભારતનું વલણ રજૂ કરીને અસરકારક મંત્ર આપશે. સમિટ પૂર્વે ભારતના પર્યાવરણ પ્રધાન જાવડેકરે જણાવ્યું હતું કે સંમેલનના પ્રથમ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના પ્રમુખ ફ્રાંન્સવા ઓલાન્દે ૧૯૦ દેશોના એક મહાગઠબંધનનો પ્રસ્તાવ રજૂ કરશે.

જેનું નામ ઈન્ટરનેશનલ એજન્સી ફોર સોલર પોલિસી એન્ડ એપ્લિકેશન હશે. આ અંગે પરંપરા, સંરક્ષણ અને સંયમ પર આધારિત સ્વાસ્થ્ય અને ટકાઉ જીવન શૈલીનો પ્રસ્તાવ રજૂ કરશે તેમજ વન ક્ષેત્રનું વિસ્તરણ કરવાની હિમાયત કરશે.

પેરિસમાં ક્લાઈમેટ ચેન્જ સમિટ પૂર્વે હંગામો મચી ગયો છે. દેખાવ પર પ્રતિબંધથી નારાજ પર્યાવરણ કાર્યકરોએ દેખાવ કરતાં પોલીસે તેમના પર લાઠી વિંઝી હતી. સ્થિતિને કાબૂમાં લેવા ટિયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

દોઢ વર્ષમાં સાતમી વખત મોદી અોબામા મળશે
મોદી ઓબામા વચ્ચે સાતમી વખત મુલાકાત યોજાઈ રહી છે. જેના પર સૌ કોઈની મીટ છે. મોદી ઓબામા તરફથી યોજાનાર મિશન ઈનોવેશનમાં પણ જોડાશે. પરિસ સમિટમાં મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ પર પણ નજર રહેશે. વર્લ્ડ મીડિયાની નજર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તૂર્કસ્તાનના પ્રમુખ તૈયિફ એર્દોગાનની મુલાકાત પર પણ રહેશે.

You might also like