નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડમાં ત્રણ વર્ષ બાદ પ્રથમ ધરપકડ

મુંબઈ: ભારતીય તર્કશાસ્ત્રી અને મહારાષ્ટ્રના લેખક નરેન્દ્ર દાભોલકર હત્યા કેસમાં સીબીઆઈએ હિંદુ જનજાગૃતિ સંગઠનના કાર્યકર વીરેન્દ્ર તાવડેની ધરપકડ કરી લીધી છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ગત 20 ઓગસ્ટ 2014ના રોજ અજાણ્યા શખ્સોએ ધોળા દિવસે દાભોલકરની ગોળી મારી હત્યા કરી નાખી હતી. તે કેસમાં થોડા સમય પહેલાં સીબીઆઈએ તાવડેના પનવેલના નિવાસે દરોડા પાડ્યા હતા. તે સમયે કેટલાક પુરાવા અને મોબાઈલ નંબર, ઈ મેઈલ સહિત અન્ય સામગ્રી મળી આવી હતી. તે અંગે તપાસ હાથ ધરતાં તાવડે અંગે બાતમી મળી હતી.જેના આધારે સીબીઆઈએ વધુ તપાસ હાથ ધરી હતી.

એક જાહેર હિતની અરજીની સુનાવણી કરતા મુંબઈ હાઈકોર્ટના આદેશથી સીબીઆઈએ 9 માર્ચ 2014ના રોજ આ હત્યાકાંડ અંગે કેસ દાખલ કર્યો હતો. જેના આધારે સીબીઆઈએ આવી કાર્યવાહી હાથ ધરી છે.

ઘોળા દિવસે ઘર પાસે જ હત્યા થઈ હતી
નરેન્દ્ર દાભોલકરની 20 ઓગસ્ટ 2014ના રોજ સવારે 7-20 કલાકે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના ઘર પાસે જ ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ કેસની પહેલા પુણેની ડેકકન પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. પરંતુ બાદમાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. દાભોલકરની હત્યાના બે વર્ષ બાદ પણ આરોપીઓની ભાળ મળી નથી.

તેમ છતાં આ હત્યા બદલ કેટલાંક દક્ષિણપંથી જૂથ તથા કાર્યકરો પર શંકા સેવાઈ રહી છે. દાભોલકરે અનેક દાયકા સુધી કાળા જાદુ સહિતની કેટલીક અંધશ્રદ્ધાવાળી પ્રથાઓ સામે લડત ચલાવી હતી. જેના આધારે મહારાષ્ટ્ર સરકારે તે અંગે કાનૂન બનાવ્યો હતો. જોકે આવો કાયદો તેમનાં મોત બાદ ઘડવામાં આવ્યો હતો.

You might also like