કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી, ભગવાને નરકાસુર નામના અસુરનો કર્યો હતો વધ

કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીના દિવસને કાળી ચૌદસ તરીકે ઊજવવામાં આવે છે. આજના દિવસે ખીર અને વડાં બનાવવાનો રિવાજ છે અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે.

સાંજે ગૃહિણીઓ કાણાં વાળાં વડાં અને પૂરી, ઘર નજીકના ચાર રસ્તે મૂકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલના દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું.

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપ ચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે. કાળી ચૌદશ એ મેલી વિદ્યાના સાધકોનો દિવસ છે અને તેઓ એમ માને છે કે આજના દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.

શ્રીમદ્ ભાગવતપુરાણમાં એવી એક કથા છે કે, ‘પહેલાંના સમયે પ્રાગ્જ્યોતિષપુરમાં નરકાસુર નામનો એક બળશાળી અસુર રાજ્ય કરતો હતો. દેવતાઓ અને માનવોને તે ઘણો ત્રાસ આપવા લાગ્યો. આ દુષ્ટ દૈત્ય સ્ત્રીઓને પણ પજવવા લાગ્યો.

જીતીને લાવેલી સોળ હજાર વિવાહ યોગ્ય રાજકન્યાઓને તેણે બંદીગૃહમાં કેદ કરી અને તેમની સાથે વિવાહ કરવાનો નિશ્ચય કર્યો. આ સમાચાર મળતાં જ શ્રીકૃષ્ણજીએ સત્યભામા સહિત અસુર પર આક્રમણ કર્યું. નરકાસુરને મારી નાખીને સર્વ રાજકુમારીઓને મુક્ત કરી.

મરતી વેળાએ નરકાસુરે શ્રીકૃષ્ણ ભગવાન પાસે વર માગ્યું કે, ‘આજે જે કોઈ મંગળસ્નાન કરે તે નરકની પીડાથી બચી જાય.’ ભગવાન શ્રીકૃષ્ણએ તે અનુસાર તેને વર આપ્યો. આને કારણે આસો વદ ચૌદસને નરકચતુર્દશીના નામે ઊજવવા લાગ્યા અને આ દિવસે લોકો સૂર્યોદય પહેલાં અભ્યંગસ્નાન કરવા લાગ્યા.

ચૌદસના દિવસે સવારે નરકાસુરનો વધ કરીને તેના લોહીનું તિલક કપાળ પર લગાડીને શ્રીકૃષ્ણજી ઘરે પધાર્યા, તે સાથે જ નંદજીએ તેમને મંગળસ્નાન કરાવ્યું.’

આજના દિવસે શ્રી હનુમાનજીનું પણ પૂજન કરવામાં આવે છે. આજનો દિવસ હનુમાનજીના પ્રભાવનો દિવસ છે. મલીન મંત્ર–તંત્રના તામસ પ્રધાન ઉપચારોથી રક્ષણ કરી ભગવાનમાં દૃઢ નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે.•

You might also like