નારદજીનું ભક્તિસૂત્ર

નારાયણ નારાયણ શબ્દ સંભળાય કે તરત જ આપણને નારદજી યાદ આવે. નારદજી કેવા છે? તે કોઇને કહેવાની જરૂર નથી છતાં તેમનું વર્ણન કરવાની મને મજા આવે છે તેથી આવશ્યક હોવા છતાં તેમનું વર્ણન કરવાની તક આજે તો નહીં જ છોડું.

સંપૂર્ણ શ્વેત વર્ણના છે નારદજી. તેમના શિખાયુક્ત મુંડિત મસ્તક પર ઊભી ચોટી જોતાં જ તમે ઊંઘમાં પણ કહી જ દો કે અરે આ તો પરમ વિષ્ણુભક્ત દેવર્ષિ નારદ છે. તેમના હાથમાં વીણા છે. ગળામાં શ્વેત પુષ્પની માળા હોય છે. ચરણમાં ચાખડી હોય છે. કપાળ ઉપર ઊભું તિલક છે. કેડ ઉપર પીતાંબર રેશમી હોય છે. આ પીતાંબર હરહંમેશ પીળું જ હોય છે. કારણ ભગવાન વિષ્ણુ પીળા છે. તેમનું વૈકુંઠ પીળું છે. તેમના પાર્ષદો પીળા રંગના તથા પીળાં પીતાંબર પહેરેલાં હોય છે. ગળામાં પીળી પુષ્પમાળા પહેરે છે. આ નારદજીની મુખ્ય ઓળખાણ નારાયણ નારાયણ છે. નારદજી ટીખળી હોવા છતાં ખૂબ પરોપકારી તથા દયાળુ છે. રાત દિવસ ત્રિલોકમાં ચક્કર કાપી દુઃખી જીવોની સમસ્યા જાણી વૈકુંઠમાં દોડતા દોડતા નારાયણ નારાયણ કરતા કરતા તે સમસ્યાનો ઉકેલ શોધતા જ હોય છે.

ક્યાંક નારદજીને સાક્ષાત્ ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, શિવ વગેરે તથા ભયંકર રાક્ષસ પણ વંદન કરતા હોય છે. આમ તો નારદજી બ્રહ્માના પુત્ર છે છતાં તેમનું જીવન તદ્દન નિષ્કલંકિત હોવાથી જગતના, સૃષ્ટિના તમામ જીવ તેમને પૂજે છે. નારદજીના સાંનિધ્યમાં આવતાં જ ભક્ત પ્રહ્લાદજી, વાલિયા લૂંટારામાંથી મહર્ષિ વાલ્મીકિ બનેલાના અનેક દાખલા છે. તો ક્યાંક બે પક્ષ વચ્ચે ઝગડા ટંટા કરાવતા પણ તેમને જોવા મળ્યાના દાખલા આપણા શાસ્ત્રોમાં, વિષ્ણુપુરાણ તથા અન્ય ધર્મગ્રંથોમાં જોવા મળે છે.
દેવર્ષિ નારદજીને મહર્ષિ વ્યાસ, ગર્ગાચાર્યજી તથા મહર્ષિ શાંડિલ્યકથિત ભક્તિનાં લક્ષણોનો કોઇ વિરોધ તો નથી જ. ભગવાનની પૂજા કરવી, ભગવાનના ગુણગાન ગાવાં, સર્વાત્મારૂપી ભગવાનને પ્રેમ કરવો ઉચિત તથા આવશ્યક છે.

ભગવાન વ્યાસજીને ભગવદ્ ગુણગાનમાં શ્રી નારદજીએ જ લગાવ્યા છે. શ્રી વિષ્ણુમહાપુરાણમાં નારદજીની અનેક રમૂજી કથા, તેમનાં લગ્ન માટેના અભરખા, ભગવાન શ્રીકૃષ્ણ સાથે માયાસંબંધી વાર્તાનું વિસ્તૃત વર્ણન છે.

એક મજાની વાત છે. જેમ તમારે ગાયને બોલાવવી હોય તો તમે વાછરડાને બોલાવો. વગર કહે ગાય વાછરડા પાછળ પાછળ આવશે જ. જો તમારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા છે તો તમે નારદજીને બોલાવો. ભગવાન વિષ્ણુ ચાખડી પણ પહેર્યા વગર નારદજી પાછળ દોડતા આવશે. આવા સમર્થ દેવર્ષિ શ્રી નારદ મુનિને વારંવાર પ્રણામ કરવાથી કે તેમનું સ્મરણ કરવાથી આપણા અનેક જન્મોનો ભવ, ગરીબી, અજ્ઞાનતા વગેરે ટળી જાય છે.

એક વખત નારદજીને ભજી જુઓ. સાક્ષાત્ શ્રીહરિ વિષ્ણુ તમને ન મળે તો કહેજો. એક વખત શ્રી નારદ મુનિને બોલાવી જુઓ. ભગવાન વિષ્ણુ નારદજી કરતાં પણ પહેલાં દોડશે.

બહુ નાનો લગભગ દશેક વર્ષનો હતો ત્યારે હું મારા મોસાળ નડિયાદમાં રહેતો હતો. મોસાળમાં ગૌરીશંકર તથા બ્રહ્મર્ષિ કૃષ્ણશંકર શાસ્ત્રીના બંગલામાં રહેતો હતો. ત્યાં પૂ.કર્દમ ઋષિનાં માતા તારાદેવીના હાથ નીચે તેમના જ બંગલામાં સાતેક દિવસ રહ્યો હતો. સાક્ષાત્ વૈકુંઠમાં રહેતા હોઇએ તેવું મને લાગતું. આજે તારાદેવી નથી, પણ એ વૈકુંઠનાં જરૂર દર્શન કરું છું હું નડિયાદ મોસાળે જાઉં ત્યારે.•
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like