નામ રદ થવા મુદ્દે કરાયેલી અરજીને હાઈકોર્ટે ફગાવી

અમદાવાદ: મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં મતદારોના નામ ડિલિટ થવાના મામલે કરાયેલી રીટ પિટિશનને હાઈકોર્ટ ફગાવી દેતાં રાજ્ય ચૂંટણી પંચને રાહત મળી છે. આ તબક્કે ચૂંટણી પંચ સામેની તપાસની જરૃરિયાત ન હોવાનું અવલોકન પણ કોર્ટે કર્યું હતું. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પંચે કોઈ મેનિપ્યુલેશન કર્યું હોય તેવું જણાતું નથી. આ મામલે હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દો જાહેર હીતની અરજી (પીઆઈએલ)ના દાયરામાં આવતો નથી તેમ કહી ચૂંટણી બાદ જો કોઈ અચ્છે તો અલગ રીતે કોર્ટમાં જઈ શકે છેે.

રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં મતદારોના નામ ડિલિટ થવાની સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરવામાં આવી હતી. આ અરજી અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કેન્દ્રીય ચૂંટણી પંચે જે નામ ડિલિટ કરેલી યાદી મોકલી હતી.તેને રાજ્ય ચૂંટણી પંચે તેનો અમલ કર્યો છે. ચૂંટણી પંચે એવી પણ રજૂઆત કરી હતી કે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાર યાદીમાં ૩,પર,૯૭૭ નામ ઉમેર્યા હતા, અને ૩,૯૭,૪પ૯ નામ રદ કરાયા હતા. જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટે મતદાર યાદીમાં ૧,૧૯,૩૪૩ મતદાતાના નામ ઉમેરાયા હતા, જ્યારે ૧,૦૦,ર૬૦ નામ રદ થયા છે.

આ ઉપરાંત પંચાયતની ચૂંટણી માટે મતદાર યાદીમાં ૪,૬૩,૭૮૧ મતદારોના નામ ઉમેરાયા હતા અને તેની સામે ૩,૯૦,૮૮૪ મતદારોના નામ રદ કરાયા છે.  આ મામલે હાઈકોર્ટે જણાવ્યું હતું કે આ ચૂંટણી હાઈકોર્ટની દરમિયાનગીરી અને આદેશ બાદ ચૂંટણી યોજવામાં આવી છે. આવા સંજોગોમાં ચૂંટણીને અટકાવી શકાય નહી. તેમજ આ કેસ કોઈ દાખલ કરવા માંગતું નથી. આ મુદ્દામાં કોઈ કેસ બનતો નથી આથી આ મામલે જ્યુડિશિયલ તપાસની કોઈ જરૃરિયાત રહેતી નથી. આમ છતાં જેને પણ વાંધો હોય તો તે ચૂંટણી બાદ અરજી કરી શકે છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયથી રાજ્ય ચૂંટણી પંચને રાહત મળી છે.

You might also like