નમતા સૌને ગમતા

આપણી ભારતીય સંસ્કૃતિમાં એક ઉત્તમ સંસ્કાર એ છે કે આપણા વડીલોને પગે લાગી તેમના ચરણ સ્પર્શ કરવા. આમાં વડીલ, દેવ તથા અન્ય પવિત્ર વ્યકિતનો પણ સમાવેશ થઇ જાય છે. લગભગ દરેક ધર્મમાં આ ઉત્તમ પ્રથા જોવા મળે છે. જેના પ્રકાર જુદા જુદા હોય છે, પરંતુ તેનો મર્મ તો એક જ છે કે વડીલોના, દેવર્ષિઓના, મહાપુરુષોના આશીર્વાદ લેવાના.
જગતના દરેક ધર્મમાં વડીલોના આશીર્વાદ લેવાની પ્રથા છે. અર્થાત કેડમાંથી નીચા નમી તેમને પગે લાગી તેમના અંતરના આશીર્વાદ મેળવવા જોઇએ. પગે લાગનાર વ્યકિત તરફ દેવ કે વડીલ ઉત્તમ પવિત્ર ભાવથી જુએ છે. જો કોઇ વડીલને પગે લાગ્યા હોઇએ કે તેમના આશીર્વાદ લીધા હોય તો તેમના અંતરમાંથી આશીર્વાદ કે ઉત્તમ આશિષ પ્રગટે છે. જેથી પગે લાગનારનું જીવન સફળ થાય છે. તે તમામ ભવમાં ઉત્તમ સદ્ભાગ્ય પ્રાપ્ત કરે છે. આ આશીર્વાદ કે દુઆ ઘણી વખત દવા કરતાં દુઆનું કામ વિશેષ કરતા હોય છે.
પગે લાગનાર વ્યકિત ખૂબ નમ્ર તથા વિવેકી છે તે વાત આપણે વગર કહે સમજી જઇએ છીએ. આપણે જ્યારે કોઇનાં ચરણમાં મસ્તક નમાવીએ છીએ ત્યારે આપણા માથા ઉપર રહેલાં પાપનાં પોટલાં આપોઆપ નીચે પડી જાય છે. આપણા માથેેથી પાપનાં પોટલાં દૂર થતાં જ આપણે હળવાં ફૂલ થઇ જઇએ છીએ. કોઇ દેવ કે વડીલના ચરણમાં માથું ટેકવવા માત્ર આપણને અનેકગણો આનંદ પ્રાપ્ત થાય છે.
સતયુગ, દ્વાપરયુગ તથા ત્રેતાયુગમાં એવા મનુષ્યો વસતા હતા. તેઓ જે બોલે તે જ થતું હતું. તેમના મોઢામાંથી આશીર્વાદ નીકળે કે દીર્ઘાયુ ભવ. તો તે માનવ ટૂંકું આયુષ્ય લઇ જન્મ્યો હોય તો પણ તે આશીર્વાદથી ઘણું લાંબુ જીવે છે. આવાં સ્ત્રી પુરુષના આશીર્વાદ
સૌથી અધર્મી મનુષ્ય પણ લેવા લલચાતો હતો.
જો આપણા સદનસીબે ઘરમાં દાદા-દાદી, કાકા-કાકી કે મમ્મી-પપ્પા જીવતા હોય તો પ્રત્યેક અવસરે તેમના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. તેમના આશીર્વાદથી આપણી જિંદગીનાં તમામ દુઃખ-દર્દ દૂર થઇ જશે. આપણામાં કહેવત છે કે નમતા સૌને ગમતા તથા નમે તે સૌને ગમે. વખત આવતાં જે નમી જાય છે તે વખત આવતાં બહુ ઝડપથી ઊભા થઇ જતા હોય છે.
આપણા મહાન ગ્રંથ રામાયણ તથા મહાભારતમાં જોઇ શકશો કે ભગવાન વિષ્ણુના અવતાર એવા શ્રીરામ તથા શ્રીકૃષ્ણ તેમના વડીલના આશીર્વાદ ખૂબ હોંશે હોંશે લેતા હતા. આથી તેમનું જીવન ખૂબ સફળ રહેતું હતું.
આપણે જેમને પગે લાગી તેમના આશીર્વાદ લઇએ છીએ તેથી તેમનાં અંતરમાંથી આપણા માટે શુભ તથા ઉત્તમ લાગણીનો પ્રવાહ વહે છે. પરિણામે આપણે ખૂબ સુખી થઇએ છીએ.
આપણા માથેથી આપત્તિના ઓળા, વાદળ ઝડપથી વિખરાઇ જાય છે. આપણા જીવનમાં સુખનો સૂરજ ઊગે છે. આપણા આશીર્વાદ આપણી પેઢીને આપી તેમનું જીવન પણ સુધારીએ.•

You might also like