નલિયાકાંડઃ રાજ્ય સરકાર પર કોંગ્રેસનો હલ્લાબોલ

અમદાવાદઃ કચ્છના નલિયા દુષ્કર્મકાંડનો મામલો દેશભરમાં ગાજ્યો છે ત્યારે વિધાનસભાના બજેટસત્રના પ્રથમ દિવસે અાજે કોંગ્રેસે નલિયાકાંડ મુદ્દે રાજ્ય સરકાર પર હલ્લાબોલ કર્યો છે. અાગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ માટે નલિયાકાંડનો મુદ્દો મહત્ત્વપૂર્ણ બન્યો છે. કોંગ્રેસના અાક્રમક તેવરને જોતા સમગ્ર બજેટસત્ર ભારે તોફાની બને તેવા અેંધાણ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં પહેલું બજેટ રજૂ થનાર હોઈ એક પ્રકારે અા બજેટસત્ર રૂપાણી માટે અગ્નિપરીક્ષા બનવાનું છે.

નલિયાથી ગાંધીનગર સુધી કોંગ્રેસની ‘બેટી બચાવો’ રેલીથી આજે રાજધાની ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. આવતી કાલે રાજ્ય સરકારનું બજેટ ગૃહમાં મુકાશે, પરંતુ જે પ્રકારે કોંગ્રેસે સરકારને ભીંસમાં મૂકવા વ્યૂહરચના ઘડી છે તેને જોતાં સમગ્ર બજેટસત્ર ભારે તોફાની બનશે.

કચ્છના નલિયા દુષ્કર્મકાંડના વિરોધમાં નલિયાથી ગાંધીનગર સુધી યોજાયેલી કોંગ્રેસની ‘બેટી બચાવો’ યાત્રા આજે ગાંધીનગર આવી પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના ટોચના હોદ્દેદારોથી લઇને કાર્યકરો જોડાયા હતા. આજથી વિધાનસભાના બજેટસત્રનો પ્રારંભ થઇ રહ્યો હોઇ કોંગ્રેસની રેલી તેમજ વિધાનસભાના ઘેરાવની જાહેરાતથી સમગ્ર બજેટસત્ર ભારે તોફાની બનવાનાં એંધાણ છે.

આજે સવારે ગાંધીનગર હાઇવે પર કોંગ્રેસના કાર્યકરો રેલી કાઢવા માટે એકઠા થયા હતા, જોકે પોલીસે રેલીના બદલે
સભા કરવાની પરવાનગી આપી છે. સત્યાગ્રહ છાવણી પાસે યોજાનાર કોંગ્રેસના સભાસ્થળે ‘ગુજરાતની અ‌િસ્મતા’ પર ભાજપનો બળાત્કાર જેવાં બેનર લગાવાયાં છે.  દરમ્યાન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અગાઉ પણ કોંગ્રેસે વિધાનસભાનો બે વાર ઘેરાવ કર્યો છે. આ સંકુલ ફરતે તારની વાડ વધારાની બાંધી છે, જોકે અમે વોટરકેનન અને ટિયરગેસ વગેરેને અવગણીને વિધાનસભાનો ઘેરાવ કરીશું. રાજ્યપાલ દ્વારા નલિયા દુષ્કર્મકાંડની તપાસ હાઇકોર્ટના સીટિંગ જજ દ્વારા કરવામાં આવે તેવી કોંગ્રેસની માગણી છે, જો તેમ થશે તો જ ગુનેગારોને પકડી શકાશે.

જ્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ સી‌િટંગ જજની તપાસની માગણી કરતાં વધુમાં જણાવ્યું હતું કે ભાજપ શાસનમાં કોઇ વિકાસ થયો નથી. ફક્ત ગપ્પાં જ મરાયાં છે. અમને એસઆઇટી કે સીઆઇડીની તપાસ મંજૂર નથી. અમે વિધાનસભામાં હાજર રહેવાના છે, પરંતુ નલિયાકાંડ મામલે કોંગ્રેસ સરકાર પાસેથી જવાબ લેશે. આ દરમિયાન વિધાનસભાની બજેટ બેઠક પૂર્વે મળેલી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં વિધાનસભામાં નલિયાકાંડના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય કાળાં વસ્ત્ર ધારણ કરીને હાજર રહેશે તેવો નિર્ણય લેવાયો હતો.

કોંગ્રેસની સભાને પગલે ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. વિધાનસભાના ઘેરાવને પગલે ૭૦૦થી વધુ પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સભા સ્થળે તેમજ વિધાનસભા ખાતે એક આઇજી, ચાર એસપી, ૧૦ ડીવાયએસપી, ૨૫ પીઆઇ, ૬૦૦ પીએસઆઇ, ૫૦૦ કોન્સ્ટેબલ-હેડ કોન્સ્ટેબલ, ૨૦૦ મહિલા પોલીસ કર્મી, ત્રણ વોટર કેનન તેમજ છ એસઆરપીની ટુકડીઓ ગોઠવવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like