ખંડણીકેસમાં ધારાસભ્ય નલિન કોટડિયા ક્રાઈમ બ્રાંચમાં હાજર થયા

અમદાવાદ: બિલ્ડર મધુભાઇ વસાણી સાથે મારામારી અને ખંડણીના કેસમાં ધારાસભ્ય નલિન કોટડિયા આજે પોતાનું નિવેદન નોંધાવવા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે હાજર રહ્યા હતા. નલિન કોટડિયા સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિના કેટલાક કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.
ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા સામે બિલ્ડર મધુભાઇ વસાણીએ મારામારી અને રૂ. બે કરોડની ખંડણી માગવા અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ છે. દરમ્યાનમાં નલિન કોટડિયાએ ગુજરાત હાઇકોર્ટમાં ધરપકડ સામે વચગાળાની રાહત માટે અરજી કરતાં ગુજરાત હાઇકોર્ટે નલિન કોટડિયાની ધરપકડ સામે સ્ટે આપ્યો હતો. ગઇ કાલે હાઇકોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં નલિન કોટડિયાને ક્રાઇમ બ્રાંચ સમક્ષ નિવેદન નોંધાવવાનું જણાવ્યું હતું.

જોકે કોર્ટે આદેશમાં એવું પણ નોંધ્યું છે કે, ક્રાઇમ બ્રાંચ કોટડિયાની પૂછપરછ કરી શકશે પરંતુ ધરપકડ નહીં કરી શકે. વચગાળાનો સ્ટે લંબાવવા નલિન કોટડિયાને હાલ પૂરતી રાહત મળી છે. આ કેસની વધુ સુનાવણી ૧૬મી ઓગસ્ટના રોજ યોજાશે.

ઉલ્લેખનીય છે કે વસ્ત્રાપુરના બિલ્ડર મધુભાઈ વસાણીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે દોઢેક વર્ષ અગાઉ તેઓની સંબંધીએ નલિન કોટડિયા સાથે ઓળખાણ કરાવી હતી અને દસ્ક્રોઈમાં આવેલી ખેતીની જમીન ઉપર બાંધકામલાયક જમીન કરાવવાની પરમિશનની કાર્યવાહી કરવાની અરજી રાજ્ય સરકારમાં ભલામણ કરેલી કે અરજદારને અન્યાય થયો છે તેથી આ બાબતે યોગ્ય કરવું.નલિન કોટડિયા ૨૬ જુલાઈના રોજ તેમના બે માણસો સાથે મધુભાઈની ઓફિસે આવ્યા હતા અને પૈસાની માગણી કરી હતી.  બંને વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી અને તમામ દૃશ્યો સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ ગયા હતા

You might also like