કોટડિયા સાથેની વાતચીતની ઓડિયો ક્લિપમાં મારો જ અવાજ છેઃ સુરેન્દ્ર પટેલ

અમદાવાદ: ધારીના ભાજપના ધારસભ્ય અને પાટીદાર અનામત આંદોલનમાં કી રોલ ભજવનાર નલીન કોટડિયા સાથેની ચોંકાવનારી ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભાજપના ખજાનચી અને ઔડાના પૂર્વ ચેરમેન સુરેન્દ્ર પટેલ પણ વિવાદોમાં ઘેરાયા છે. સુરેન્દ્ર પટેલે કબૂલ્યું છે કે વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં અવાજ મારો જ છે, પરંતુ આ આખી વાતમાં ક્યાંય પણ મારું ઇન્વોલ્વમેન્ટ નથી.
કોટડિયા અને સુરેન્દ્ર પટેલની વાતચીતનો ઓડિયો વાયરલ થતાંની સાથે જ રાજકીય ખળભળાટ મચી ગયો છે. ખેતીની જમીન એનએ કરાવવાના મુદ્દે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. લક્ષ્મીપુરાની જમીન મુદ્દે સુરેન્દ્ર પટેલ અને નલીન કોટડિયા વચ્ચેની વાતચીતનું રેકોર્ડિંગ વાયરલ થયું છે, જેમાં આનંદીબહેન પટેલનો ઉલ્લેખ પણ કરાયો છે.

આ બાબતે સુરેન્દ્ર પટેલે ‘સમભાવ મેટ્રો’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મીડિયા સમક્ષ જાહેર થયેલી રેકોર્ડિંગની વાતચીતમાં અવાજ મારો જ છે, પરંતુ મારું આમાં ક્યાંય ઇન્વોલ્વમેન્ટ નથી, જોકે ખોડલધામ ટ્રસ્ટની ભલામણથી જ આ થયું હોવાની વાતને તેઓ વળગી રહ્યા હતા.

સુરેન્દ્ર પટેલ અને નલીન કોટડિયા વચ્ચેની વાયરલ થયેલી વાતચીતના રેકોર્ડિંગ મુજબ કોટડિયા આ કામ સુરેન્દ્રકાકાના કહેવાથી થયું છે કે નહીં તેમ પૂછે છે ત્યારે જવાબમાં સુરેન્દ્ર પટેલ તેમને આ કામ બહેનના લેવલથી ક્લિયર થયું હોવાનું જણાવે છે. સુરેન્દ્ર પટેલે ‘સમભાવ મેટ્રો’ને જણાવ્યું હતું કે અહીં બહેન એટલે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની વાત છે. આગળ વાતચીતમાં સુરેન્દ્ર પટેલે આ કામ બહેનના થ્રુ થયું હોવાનું અને ખોડલધામવાળાએ કરાવ્યું હોવાનું જણાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી કમિટી અને ઔડા બોર્ડ દ્વારા લક્ષ્મીપુરા ગોપાલપુર સૈજપુરના ૧૦૦થી વધુ સર્વે નંબરને ખેતી ઝોનમાં બદલીને રહેણાક ઝોન કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી, જેમાં વસાણી બિલ્ડર અને તેમના પરિવારના ૩૦થી વધુ સર્વે નંબર હતા. આ ઝોન ફેર જમીનની દરખાસ્ત અંગે ભાજપના પ્રદેશ ખજાનચી સુરેન્દ્ર પટેલ અને ભાજપના ધારાસભ્ય નલીન કોટડિયાની ઝોન ફેર અંગે થયેલી વાતચીત અંગેનું રેકોર્ડિંગ વાયરલ થતાં સુરેન્દ્ર પટેલે આ બાબતે ખોડલધામવાળાએ ઝોન ફેરની દરખાસ્ત માટે ભલામણ કરી હતી તે બાબતનો સ્વીકાર કર્યો હતો. સમગ્ર ઘટનામાં પક્ષને એટલે કે ભાજપને ચાર કરોડ રૂપિયાનું ફંડ આપવાના બદલે ઝોન ફેર કરાયો હોવાની વાત ચર્ચાઇ રહી છે.

વધુમાં સુરેન્દ્ર પટેલને બેન એટલે મુખ્યપ્રધાન આનંદીબહેન? એ બાબતે પૂછતાં તેમણે ‘હા’ કહીને ટૂંકો જવાબ આપ્યો હતો.

You might also like