અમેરિકામાં ઠેર ઠેર ટ્રમ્પની નગ્ન પ્રતિમા મૂકવામાં આવતાં ચકચાર

વોશિંગ્ટન: અમેરિકાનાં કેટલાંય શહેરોમાં કલાકારોના એક જૂથે રાષ્ટ્રપ્રમુખપદ માટેના રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની નગ્ન પ્રતિમાઓ મૂકતાં ચકચાર મચી ગઈ હતી, જોકે પાછળથી વહીવટીતંત્રએ ડોનાલ્ડ ટ્રમ્પની નગ્ન પ્રતિમાઓ હટાવી લીધી હતી. ‘ધ એમ્પરર હેઝ નો બોલ્સ’ નામથી તૈયાર કરવામાં આવેલી આ ગેરકાયદે પ્રતિમાઓ વિરોધ સ્વરૂપે બનાવવામાં આવી હતી, જેની જવાબદારી ઈનડિકલાઈન નામના કલાકારોના એક જૂથે સ્વીકારી હતી.

ન્યૂયોર્કના યુનિયન પાર્ક સહિત સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જલસ, સીટલ અને ક્લિવલેન્ડમાં એક જ સરખી આદમકદની પ્રતિમાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી તેની જવાબદારી લેનાર ગ્રૂપે જણાવ્યું હતું કે જિંજર નામના એક મૂર્તિકારે આ પ્રતિમા તૈયાર કરવામાં મદદ કરી હતી. આ ગ્રૂપમાં કેટલાય ફિલ્મ નિર્માતાઓ અને સંગીતકારોનો સમાવેશ થાય છે.

ન્યૂયોર્કના યુનિયન પાર્કમાં લગાવવામાં આવેલી આ ગેરકાયદે પ્રતિમાએ રાહદારીઓનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યાર બાદ ત્યાં પ્રતિમાની આસપાસ ભારે ભીડ જમા થઈ હતી અને ડોનાલ્ડ ટ્રમ્પની નગ્ન પ્રતિમાઓ સાથે તસવીર ખેંચાવવા ભારે હોડ જામી ગઈ હતી. આદમકદની આ પ્રતિમામાં ડોનાલ્ડ ટ્રમ્પને સંપૂર્ણપણે નગ્ન દર્શાવવામાં આવ્યા છે. આ પ્રતિમામાં ડોનાલ્ડ ટ્રમ્પને ભારે ભરખમ ફાંદ અને નાની આંગળીઓ સાથે સરખાવવામાં આવ્યા છે, જ્યારે નામને અનુરૂપ જનનાંગના કેટલાક ભાગ ગાયબ હતા.

પાર્ક વિભાગના પ્રવકતા મેય ફર્ગ્યુશને જણાવ્યું છે કે શહેરમાં મંજૂરી વગર પ્રતિમા મૂકવી એ ગેરકાયદે કૃત્ય છે અને તેથી તેમને હટાવી દેવામાં આવી છે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ કે તેમના પ્રવકતા તરફથી કોઈ પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી.

You might also like