આતંકવાદ બંધ નહી થાય ત્યા સુધી વાતચીત નહી : ભારતનું આકરૂ વલણ

નગરોટા આતંકી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે. જ્યા સુધી સરહદે હુમલાઓ બંધ ના થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો ભારતે ઇન્કાર કરી દીધો છે.પાકિસ્તાનને એક વાર ફરી કડક સંદેશ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, સરકારે નગરોટા હુમલાને ખૂબ જ ગંભીરતાથી લીધું છે. જ્યાં સુધી સીમા પારથી આતંકવાદ જારી રહેશે. ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારની વાતચીત કરવામાં આવશે નહી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું છે કે, હાલમાં નગરોટા હુમલા સાથે જોડાયેલી કેટલીક ડિટેલ્સની રાહ જોવામાં આવી રહી છે, અને તેના પછી સરકાર આગળ પગલા ભરવાની છે.

સ્વરૂપે આતંકવાદીઓની વિરૂદ્ધ પાકિસ્તાન દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતી હોવાની વાત કરી. તો ઉરી હુમલાને લઇને તેમણે કહ્યું કે, પાકિસ્તાને ઉરી હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસની માગ કરી હતી. જો કે ભારત તો પાકિસ્તાનની ઘરેલુ તપાસથી પણ સંતુષ્ટ થઇ ગયું હોત. ભારતે પાકિસ્તાનને ડીએનએ અને ફિંગર પ્રિંટ્સ જેવા પુરાવાઓ પણ આપ્યા હતા. વિકાસ સ્વરૂપે પાકને સવાલ પૂછ્યો કે, શુ પાકિસ્તાન પોતાના નેશનલ ડેટાબેસ સાથે તેને મેચ કરી શકતું નહોતું. આ કરવું સૌથી સહેલું હતું, પણ પાકિસ્તાને ભારતને કોઇ સહકાર આપ્યો નહી.

સ્વરૂપે કહ્યું કે, હાર્ટ ઓફ એશિયા કોફ્રેન્સ પહેલા પાકિસ્તાન તરફથી વાતચીતનો કોઇ પ્રસ્તાવ મળ્યો નથી. સ્વરૂપે વધુમાં કહ્યું કે, ભારત હંમેશા વાતચીતના પક્ષમાં રહ્યું છે. પરંતુ આ વાતચીત આતંકવાદના વાતાવરણમાં કરવામાં આવી શકે નહી. સીમા પારથી આતંકવાદ જારી રહેવાની વાતને સામાન્ય પરિસ્થિતિ માની શકાય નહી. પાકિસ્તાને પહેલા આતંકવાદ બંધ કરવું પડશે, અને તેના પછી તેની સાથે વાતચીત થશે.

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પઅને પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફ વચ્ચે ફોન પર થયેલી વાતચીત મુદ્દે સ્વરૂપે કહ્યું કે, આ મુદ્દે એક તરફી નિવેદન સામે આવ્યું છે. એટલે આ મુદ્દે હાલ કોઇ પણ વાતચીત કરવાનો સ્વરૂપે ઇન્કાર કર્યો.

You might also like