નગરી અંધાપાકાંડઃ નિષ્ણાત સમિતિનો રિપોર્ટ અાજ-કાલમાં આવશે

અમદાવાદ: મ્યુનિ. સંચાલિત નગરી હોસ્પિટલમાં ગત બુધવારે સાંજે ૧પ દર્દીઓએ આંખની રોશની ગુમાવતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ કમનસીબ ઘટનાની તપાસ કરવા કોર્પોરેશન દ્વારા તત્કાળ નિષ્ણાત તબીબોની સમિતિની રચના કરાઇ હતી આ સમિતિનો આજે અથવા આવતી કાલે રિપોર્ટ આવી જશે. જીસીએલ મેડિકલ કોલેજના ડો.ભરત ગોડાદરા, બી.જે. મેડિકલ કોલેજના ડો.શશાંક પટેલ અને એલ.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડો.બીના દેસાઇ એમ ત્રણ નિષ્ણાત તબીબની સમિતિએ અવાસ્ટિન ઇન્જેકશન અપાયાં બાદ ૧પ દર્દીઓએ આંખની રોશની ગુમાવવાની ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

મ્યુનિ. હોસ્પિટલનો હવાલો સંભાળતા ડેપ્યુુટી કમિશનર આઇ.કે. પટેલ કહે છે કે આ સમિતિનો આજે અથવા આવતી કાલે રિપોર્ટ આવી જશે. સમિતિના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે. આ સમિતિ નગરી હોસ્પિટલમાં સારવારની પદ્ધતિ તેમજ મેડિકલ પ્રોટોકોલ અંગેનાં સૂચનો પણ આપશે. સમિતિનાં સૂચનોનો પણ તંત્ર અભ્યાસ કરીને તે મુજબ અમલીકરણ કરશે. આંખનો સોજો ઉતારવાના અવાસ્ટિન ઇન્જેકશન અંગે ડેપ્યુટી કમિશનર પટેલ વધુમાં કહે છે કે અત્યાર સુધીમાં અવાસ્ટિનનાં રપ,૦૦૦ ઇન્જેકશન નગરીનાં દર્દીઓને અપાઇ ચૂકયાં છે. ઇન્જેકશનની એક બોટલમાંથી તમામ દર્દીઓને ચેપ લાગવાના આક્ષેપમાં કોઇ વજુદ નથી. ડોકટરો સહિતના મેડિકલ સ્ટાફની કોઇ બેદરકારી પ્રાથમિક દૃષ્ટિએ જણાતી નથી.

નગરીમાં સારવાર લેતા દર્દીઓને દિવસમાં બે વાર આઇ ડ્રોપ નાંખવાના હોઇ તેમની દૃષ્ટિમાં સુધારો આવી રહ્યો છે એટલે તંત્રે તેમને હોસ્પિટલમાં જ રહીને સારવાર લેવાની સાથે સાથે ઘરે જઇને ત્યાંથી સારવાર માટે આવવાનો વધારાનો વિકલ્પ આપ્યો છે. હવે આ અંગે નિર્ણય જે તે દર્દીએ કરવાનો છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

You might also like