નગરી હોસ્પિટલનો અંધાપાકાંડ તબીબોને કિલનચીટ અપાઈ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન સંચાલિત નગરી હોસ્પિટલમાં આંખના પડદાની તકલીફથી પિડાતા ૧૫ દર્દીની સારવાર બાદ રોશની ગુમાવતા ખળભળાટ મચી ગયો હતો. આ કેસમાં રચાયેલી ત્રણ ડોકટરોની તપાસ સમિતિએ સારવાર કરનારા ડોકટરને બેકસૂર ગણાવી કિલનચીટ આપી છે. તેમજ આ કેસની વધુ તપાસ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચાલી રહી છે. આ અંગેનો અહેવાલ આજે તપાસ સમિતિએ મ્યુ. કમિશ્નર ડી. થારાને સુપરત કર્યા હતો.

નગરી હોસ્પિટલમાં ૧૫ દર્દીને જે તકલીફ થઈ હતી તે અંગે દર્દીઓના સગાઓએ ભારે હોબાળો મચતા આ અંગે ત્રણ ડોકટરોની એક તપાસ સમિતિ રચવામા આવી હતી. આ તપાસ કમિટીમાં સિવિલની આંખની હોસ્પિટલના ડો. શંશાક પટેલ, જીસીએ હોસ્પિટલના ડો. ભરત ઘોડાસરા, અને એલ.જી. હોસ્પિટલના આંખ વિભાગના વડા ડો. બિના દેસાઈનો સમાવેશ થાય છે. આ તપાસ સમિતિએ ગત ૧૪મીએ નગરી હોસ્પિટલમાં જઈને સમગ્ર ઘટનાની ઝીણવટપૂવર્ક તપાસ કરીને ઘટનાની વિગતો એકત્ર કરી હતી.

આ કેસમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ઈંજેકશનના બલ્બ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આ બાબતે તપાસ માટે રચાયેલી સમિતિએ સમગ્ર ઘટનાની તપાસ કરતા આ કેસમાં તમામ પાસાની તપાસ કરતા દર્દીઓની સારવાર કરનારા તબીબને બેકસૂર જાહેર કરવામા આવ્યા છે. અને તેમને આ કેસમાં કિલનચીટ આપવામા આવી છે. તેમજ આ અંગેનો અહેવાલ મ્યુ. કમિશ્નર ડી. થારાને સુપરત કરવામાં આવ્યો છે.

ગત ૧૨મીએ નગરી હોસ્પિટલમાં આંખના પડદાની તકલીફથી પીડાતા ૧૫ દર્દીઓને એવાસ્ટીન ઈંજેકશન આપવામા આવ્યા હતા ત્યારબાદ આ તમામ દર્દીને બુધવારે તકલીફ થઈ હતી.આ અંગે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતુ કે તમામ દર્દીઓની તપાસ કરવામા આવતા દર્દીઓને આંખ પરનો સોજો ઓછો થઈ રહયો છે. તેમજ તેઓ પ્રકાશને તેમજ નજીકથી દર્શાવવામાં આવતી આંગળીઓ જોઈ શકે છે. તેઓની દ્ષ્ટીમાં સુધારો જણાઈ રહ્યો છે. દર્દીઓની રીકવરીમાં થોડો સમય લાગે તેમ છે.

વધુમાં ઓપરેશનમાં જે ઈંજેકશન વપરાયા હતા તે અસારવાના હાર્દિક સ્ટોરમાંથી સવારે આઈસ બોકસમાં લાવવામાં આવ્યા હતા. ઈંજેકશન આપ્યા બાદ દર્દીઓને જે તકલીફ થઈ છે તે અંગે કારણ જાણવા રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ઈંજેકશનના બલ્બ મોકલવામાં આવ્યા હતા. તેમજ જે ઈંજેકશનથી દર્દીઓને તકલીફ થઈ છે તે બેચ વાળા ઈંજેકશનના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

વધુમા રાજ્યના હેલ્થ કમિશ્નર અને જોઈન્ટ કમિશ્નર ગાંધીનગરથી સતત આ બાબતે હોસ્પિટલના સીધા સંપર્કમાં છે. અને તેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. હોસ્પિટલ દ્વારા પણ જેમ જેમ દર્દીની રિકવરી આવશે તેમતેમ તેઓને રજા આપવાના પ્રયાસો કરશે. કારણ હોસ્પિટલના અન્ય દર્દીઓના ઈન્ફેકશનથી તેઓને વધુ પીડા ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. હાલ આ તમામ દર્દીઓને સોજો ઓછો થાય અને તેમના દર્દમાં વધારો ન થાય તે માટે હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે.

You might also like