એડિલેડ મેચની કોપી હતી ત્રીજી ટેસ્ટ તો પછી…નાગપુર પીચ અંગે કાગારોળ શા માટે?

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રેણી વિજય બાદ પશ્ચિમી મીડિયા અને વિદેશી ક્રિકેટ જાણકારોએ જે રીતે પીચને લઈને બબાલ કરી એ ભારતીય બોલર્સની મહેનત પર પાણી ફેરવવાનું એક કાવતરું હતું. એડિલેડ અને જોહાનિસબર્ગમાં બેટ્સમેનને જલદી આઉટ કરવાની ક્રેડિટ ફાસ્ટ બોલર્સને મળે છે, જ્યારે ભારતમાં આ જ બાબતને પીચ ક્યૂરેટરની ચાલ બતાવવામાં આવે છે.

અસલમાં જે દિવસે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે નાગપુર ટેસ્ટ પૂરી થઈ એ જ દિવસે નવ હજાર કિલોમીટર દૂર એિડલેડમાં ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ શરૂ થઈ. આ બંને મુકાબલામાં ઘણું બધું સામ્ય હતું, પરંતુ એક તરફ નાગપુર મેચ જલદી પૂરી થવા અંગે દિગ્ગજ વિદેશી ક્રિકેટર્સે પીચને જવાબદાર ઠેરવી, જ્યારે બીજી તરફ એડિલેડમાં વિકેટોના વરસાદનું શ્રેય ફાસ્ટ બોલર્સને મળ્યું.
જો આંકડા પર નજર કરીએ તો નાગપુરમાં પહેલા દિવસે ૧૨ વિકેટ પડી હતી, જ્યારે એડિલેડમાં પહેલા દિવસે ૧૨ વિકેટ પડી. નાગપુરમાં બીજા દિવસે ૨૦ વિકેટ પડી તો એડિલેડમાં બીજા દિવસે ૧૩ વિકેટ પડી. નાગપુર ટેસ્ટની જેમ એડિલેડમાં પણ ત્રીજા દિવસે જ પરિણામ આવી ગયું. નાગપુરમાં કોઈ બેટ્સમેન ૪૦ રનથી વધુ બનાવી શક્યો નહીં, જ્યારે એડિલેડમાં અર્ધસદી તો નોંધાઈ, પરંતુ નેવિલનો ૬૬ રન સૌથી ટોપ સ્કોર રહ્યો.

ત્રણ દિવસમાં ટેસ્ટ પૂરી થવાનો અર્થ સ્પષ્ટ છે કે પીચ મુશ્કેલ હતી, પરંતુ ટેસ્ટ શ્રેણીની પહેલાં જ્યારે ફ્લેટ પીચ મળી હતી ત્યારે કોઈએ બોલર્સ તરફ અવાજ નહોતો ઉઠાવ્યો. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી-૨૦૧૨થી અત્યાર સુધી ૧૬૪ ટેસ્ટ રમાઈ છે, જેમાંથી ૨૫ ટેસ્ટ ત્રણ દિવસમાં પૂરી થઈ ગઈ છે અને ૧૨૫ ટેસ્ટમાં પરિણામ આવ્યું છે, જ્યારે ૩૮ ટેસ્ટ ડ્રો થઈ છે.

અહીં સવાલ ટેસ્ટમાં બેટ્સમેનોની ટેકનિકનો પણ છે, કારણ કે જ્યારે સપાટ પીચ પર બોલર પાણી ભરતો નજરે પડે છે અને રનના વરસાદ વચ્ચે મેચનું પરિણામ આવતું નથી તો પીચને દોષ આપવામાં આવે છે, પરંતુ જ્યારે ટેસ્ટના સૌથી મુશ્કેલ ફોર્મેટમાં બેટ્સમેનોની અગ્નિપરીક્ષા લેવાય છે અને પરિણામની સંપૂર્ણ ગેરન્ટી રહે છે તો પછી પીચ અંગે કાગારોળ કરવાનો કોઈ અર્થ નથી.

You might also like