નગપાલિકાની ચૂંટણીમાં ઉદાસીનતાનો માહોલ

રાજ્યના ર૮ જિલ્લાની ૭પ નગરપાલિકાની ચૂંટણી માટે ૧૭ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.

ગુજરાતના રાજકીય મોરચે છેલ્લા એકાદ વર્ષથી વિધાનસભાની ચૂંટણીને લઈને જોરદાર માહોલ ઊભો થયો હતો. ડિસેમ્બર ર૦૧૭માં વિધાનસભાની આ ચૂંટણી તો પૂરી થઈ ગઈ, પણ નેતાઓ અને કાર્યકરોમાં હજુ થાક ઊતર્યો નથી ત્યાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી ગઈ છે. આ ચૂંટણીમાં એવું જોવા મળી રહ્યું છે કે જેનાં લગ્ન હોય તેને જ વ્યવસ્થાની ચિંતા હોય બાકીના ને તો જમણવાર પૂરતું જ ધ્યાન રાખવાનું હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ જેમણે ઉમેદવારી કરી છે તે દોડધામ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં આવી સ્થિતિ છે. ફોનથી કામ પૂરું થઈ જાય તેમ હોય તો નેતાઓ રૃબરૃ ગામડાંઓ કે નગરોમાં જવાનું ટાળી રહ્યા છે. પ્રચારમાં પણ સાવ નિરસતા જોવા મળી રહી છે.

રાજ્યના ર૮ જિલ્લાની ૭પ નગરપાલિકાની ચૂંટણી માટે ૧૭ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. તા. ૬ ફેબ્રુઆરીએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ ગયંુ હતું. પ્રચારનો માત્ર ૧૦ દિવસનો ગાળો માંડ મળ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં સામાન્ય રીતે સ્થાનિક સમસ્યાઓ જ ચૂંટણીના પ્રચારના મુદ્દાઓ બનતા હોય છે. ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ બેઠકો તો કરી અને દરેક પાલિકા માટે નિરીક્ષકોની નિમણૂકો પણ કરી દીધી છે, પણ ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના એક પ્રદેશ નેતા તો એવું કહેતા હતા કે અમારા કેટલાય નિરીક્ષકોએ તો જે-તે નગરપાલિકાના વિસ્તારના કાર્યકરો સાથે ઉમેદવારી અંગે ચર્ચાઓ સુદ્ધાં નથી કરી અને આવી ઉદાસીનતાને કારણે જાફરાબાદ નગરપાલિકામાં કોંગ્રેસ એક પણ ઉમેદવાર છેલ્લી ઘડી સુધી ઊભો રાખી શકી નથી.

કોંગ્રેસમાં ઉપર કોઈ પૂછવાવાળું નથી. કોંગી કાર્યકરો તો એવો બળાપો કાઢે છે કે વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ કામ કરનારા સામે હજુ કોઈ પગલાં લેવાયાં નથી ત્યાં નગરપાલિકાની ચૂંટણીનું લશ્કર ક્યાં લડે છે એ જોવાનો સમય ક્યાંથી હોય? જ્યાં ચૂંટણી છે એ નગરપાલિકામાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પોતાના બળે કામ કરી રહ્યા છે. નવા જે ધારાસભ્યો ચૂંટાયા છે તેઓ તેમને ચૂંટણીમાં જે મદદરૃપ થયા હતા તેમનું જ ધ્યાન રાખી રહ્યા છે બાકી તેમને કોઈ રસ નથી. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તા.૧૯મીથી શરૃ થઈ રહ્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને અન્ય કોંગ્રેસના સિનિયર લીડર વિધાનસભાના ફ્લોર પર સરકારને ઘેરવાની તૈયારીમાં લાગેલા છે. તા. ૯થી ત્રણ દિવસ માટે નવનિયુક્ત કોંગી ધારાસભ્યોની એક શિબિર યોજાઈ રહી છે તેમને ગૃહને લગતી કામગીરીની માહિતી અપાશે. વાત કરીએ ભાજપની તો ભાજપમાં સંગઠનનું માળખું મજબૂત છે. પ્રદેશમાંથી જે કાર્યક્રમો અપાય તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. ભાજપમાં દરેક ચૂંટણી માટે એક સિસ્ટમ જ કામ કરતી હોય છે.

તા. ૧૭મીએ મતદાન બાદ ૧૯ ફેબ્રુઆરીએ પાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને હંફાવ્યંુ હતું. હવે નગરપાલિકાની ચૂંટણીમાં કેવું જોર કરે છે તે હવે મતગણતરીના દિવસે જ ખબર પડશે.

——————————–.

You might also like