નગરપાલિકાનો જંગઃ 47માં ભાજપ, 16માં કોંગ્રેસની વિજયકૂચ

અમદાવાદ: અમદાવાદની ત્રણ સહિત રાજ્યની ૭૫ નગરપાલિકાની યોજાયેલી ચૂંટણી પરિણામો આજે જાહેર થયા હતા, જેમાં આ લખાય છે ત્યારે ૭૫ નગરપાલિકામાંથી ૪૩ જેટલી નગરપાલિકામાં ભાજપ, જ્યારે કોંગ્રેસ ૨૬ જેટલી નગરપાલિકા પર કબજો મેળવ્યો હતો.

અમદાવાદ જિલ્લામાં સાણંદ નગરપાલિકામાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો, જ્યારે બાવળામાં પણ ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યો હતો. ધંધૂકામાં કોંગ્રેસ વિજય તરફ આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુર, ધ્રોલ અને કોડીનાર જિલ્લામાં ભાજપનો વિજય થયો હતો, જ્યારે વલસાડના પારડીમાં ભાજપ અને કોંગ્રેસના ફાળે ૧૪-૧૪ બેઠક આવતા ટાઇ સર્જાઇ હતી. ગારિયાધારમાં પણ ટાઇ સર્જાઇ હતી.

ભાજપે સોનગઢ, વડનગર, જસદણ, દ્વારકા, ખેરાલુ, પ્રાંતિજ, લાઠી, રાપર, તળાજા અને વિદ્યાનગર નગરપાલિકામાં વિજય મેળવ્યો હતો. કોંગ્રેસે ધાનેરા, ચાણસ્મા, માણાવદર, છાયા, ચોરવાડ, ખેડબ્રહ્મા, રાજુલા, વિસાવદર અને વંથલી નગરપાલિકામાં વિજય મેળવ્યો હતો. પૂર્વ કેન્દ્રીય પ્રધાન નારણ રાઠવાનાં પત્ની અને પુત્રની પણ નગરપાલિકાની ચૂંટણીમાં હાર થઇ હતી.

પરિણામો જાહેર થતાં ભાજપના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો. આજે બપોરે કમલમ્ ખાતે ભાજપ દ્વારા વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી બાદ સૌરાષ્ટ્રમાં નગરપાલિકા ઉપર કબજો મેળવવામાં ભાજપ સફળ રહ્યું છે.

૧૭ ફેબ્રુઆરીએ ૭૫ નગરપાલિકા ઉપરાંત ૬ નગરપાલિકાના ૬ વોર્ડની ૭ બેઠક અને રાજકોટ નગરપાલિકાના એક વોર્ડની એક બેઠક એમ કુલ ૮ બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી. ૫૨૯ વોર્ડની ૨૧૧૬ બેઠક માટે ૬૨૦ ઉમેદવારોનાં ભાવિ મતપેટીમાં સીલ થયાં હતાં.

અમદાવાદ જિલ્લાની બાવળા, સાણંદ અને ધંધૂકા નગરપાલિકાનું પણ મતદાન ૧૭મીએ યોજાયું હતું. ચૂંટણીમાં ભાજપના ૧૯૩૪, કોંગ્રેસના ૧૭૮૩ અને અપક્ષના ૧૭૯૩ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. કુલ ૧૦,૧૫,૬૩૬ પુરુષો અને ૧૯,૬૪,૯૪૦ મતદાર છે. નગરપાલિકાની ચૂંટણીમાં ૧૭મીએ ૬૫ ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું.

જાફરાબાદ નગરપાલિકાના ૭ વોર્ડની તમામ ૨૭ બેઠક અને રાપરની ૨૮માંથી ૧૨ બેઠક બિનહરીફ જાહેર થઈ છે. કુલ ૨૦૬૪ બેઠક માટે શનિવારે ચૂંટણી યોજાઈ હતી. મતગણતરીનાં સ્થળોએ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. ૭૭ ચૂંટણી અધિકારી અને ૭૯ મદદનીશ ચૂંટણી અધિકારી સહિત ૧૫,૬૧૬ કર્મચારીઓ ચૂંટણી કામગીરી સંભાળી રહ્યા છે.

You might also like