મ્યાનમાર સરહદે ભારતીય દળો અને આતંકીઓ વચ્ચે ભીષણ અથડામણ

કોહિમા: ભારત-મ્યાનમાર સરહદની આસપાસ ભારતીય લશ્કરી દળો અને નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના શકમંદ ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયા હોવાના સમાચાર છે. આ ઘટના નાગાલેન્ડના મોન જિલ્લામાં ઘટી છે. લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર સરહદની પેલે પારથી ઘૂસણખોરો અંગે બાતમી મળી હોવાથી લશ્કરના જવાનો પહેલાંથી જ ત્યાં ટાંપીને બેઠા હતા.
અથડામણ બાદ નાગા આતંકીઓ મ્યાનમાર સરહદમાં પરત નાસી ગયા હતા.

આ આતંકીઓ કેટલાંક શસ્ત્રો પણ છોડીને નાસી ગયા છે. ભારતીય પક્ષે કોઈ પણ પ્રકારના જાનમાલને નુકસાન થયા હોવાના સમાચાર નથી. અગાઉ એવા અહેવાલો હતા કે ભારતીય લશ્કર મ્યાનમાર અંદર કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ લશ્કરી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સરહદના વિસ્તારમાં જ આ અથડામણ થઈ હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સવારે લગભગ ૫.૩૦ કલાકની આસપાસ મોન જિલ્લાના થ્રોઈલુ ગામમાં આતંકીઓ સાથે લશ્કરને ભીષણ અથડામણ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂનમાં આતંકીઓ દ્વારા ૧૮ સૈનિકોની હત્યા બાદ ભારતના સ્પેશિયલ સુરક્ષા દળોએ મ્યાનમાર સાથેની સરહદ પર લશ્કરી ઓપરેશન હાથ ધર્યું હતું. ભારતીય જવાનોની હત્યામાં આતંકીઓનો હાથ હોવાનું જણાવાયું હતું. લશ્કરના ઓપરેશનમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા.

You might also like