અપાર સુખ સમૃદ્ધિ આપનારઃ નાગપંચમી

આપણો દેશ દરેક જીવમાં શિવ માને છે. તે ઝાડને પણ પૂજે છે અને જીવજંતુને પણ પૂજે છે. આના કારણે આપણા દેશમાં પરાપૂર્વથી નાગદેવતાની પૂજા થાય છે. આજે સમાજના ઘણા વર્ગો નાગપંચમીના દિવસે નાગદેવનું પૂજન કરીને પોતાના કુંટુંબનું ક્ષેમકુશળ વાંછે છે. આજના દિવસે ઘરના સભ્યો પૈકી મુખ્ય સ્ત્રી વહેલી ઉઠી નાહી-ધોઈ સ્વચ્છ થઈ પાણિયારે દીવા બત્તી કરીને પાણિયારા ઉપર નાગદેવતાનું ચિત્ર આલેખે છે. તે નાગદેવને કંકુથી પૂજી રૂની કંકુમાળા પહેરાવે છે અને કુલેરનો પ્રસાદ ધરાવી શ્રીફળ વધેરે છે. આમ કરવાથી જે તે કુટુંબ પર નાગદેવની કૃપા ઊતરે છે.

શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ પણ નાગપંચમી ઊજવવામાં આવે છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે. આપણા દેશમાં વ્યાપેલી ધાર્મિક આસ્થાના આધાર પર લિંગ, સાપ, અગ્નિ, સૂર્ય આદિનું ખૂબ મહત્વ છે. નાગપૂજાની પરંપરા પણ આજ સુધી ચાલી રહી છે અને ભારતીય સંસ્કૃતિમાં આનુ વિશેષ મહત્વ છે.

આ દિવસે નાગના દર્શનને શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આ જ વિચાર જન માણસ પર વધુ શ્રદ્ધાવંત બનીને નાગની પૂજાને બાધ્ય કરે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે, અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે આથી પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રદ્ધ્રા રાખે છે.

ગાંધીનગર જિલ્લાના ઈસનપુર મોટા ખાતે ખેતરમાં પૂર્વજ દાદાનું મંદિર ચાલીસ વર્ષ પૂર્વે અષાઢી બીજના દિવસે બિહોલા વંશજોએ બનાવ્યંુ હતું. આ મંદિરમાં દર કારતક મહિનાની પૂનમ (દેવદિવાળી)ના દિવસે હવન ભુવાજી ભીખુસિંહ બાદરસિંહ બિહોલા દ્વારા કરવામાં આવે છે. આ મંદિરનો અષાઢી બીજ તા.૨૫-૬-૨૦૧૭ના રોજ જિર્ણોદ્વાર કરીને મોટું બનાવ્યું. આજે આ મંદિરમાં દરેક પાંચમ તથા શ્રાવણ મહિનાની સુદ તથા વદની બંને પાંચમે માનવ મહેરામણ ઊમટી પડે છે. આ મંદિર બન્યા પછી આ વિસ્તારમાં ઘણા શ્રદ્ધાળુને નાગદેવના દર્શન થાય છે પરંતુ તેમના થકી કોઈને કોઈપણ પ્રકારની કનડગત થતી નથી.

You might also like