દેશમાં નાગ મિસાઈલનું સફળ પરીક્ષણ, એવી છે ખાસિયત કે દુશ્મનને ખબર પણ નહીં પડે

નવી દિલ્હી, ગુરુવાર
ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટી સફળતા મળી છે. રાજસ્થાનમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (ડીઆરડીઓ) સ્વદેશી નિર્મિત એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (એટીજીએમ) નાગ મિસાઈલનું જેસલમેર જિલ્લાના પોખરણ રેન્જમાં સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ રણની પરિસ્થિતિમાં અલગ અલગ રેન્જ અને ટાઈમ પર બે ટેન્ક ટાર્ગેટને વીંધવામાં સફળતા હાંસલ કરી છે. આ મિસાઈલની રેન્જ ચાર કિ.મી. સુધીની હોય છે અને ચાર કિ.મીની અંદર નિશાનને સફળતાપૂર્વક વીંધી શકે છે.

મિસાઈલ એન્ડ સ્ટ્રેટેજિક સિસ્ટમના ડાયરેક્ટર જનરલ સતીશ રેડ્ડીએ જણાવ્યું હતું કે નાગ મિસાઈલનાં સફળ પરીક્ષણને પગલે અલગ અલગ સ્થિતિમાં નિશાનને વીંધવાની એટીજીએમની ટેકનોલોજીને પ્રમાણિત કરવામાં આવી છે. (એટીજીએમ) નાગ મિસાઈલનાં સફળ પરીક્ષણથી દેશની સંરક્ષણ ક્ષમતાને મજબૂતી મળી છે. ડીઆરડીઓ દ્વારા નિર્મિત નાગ મિસાઈલનું લક્ષ્ય ભારતીય સેનાને વધુ તાકાત બક્ષવાનું છે. આ ત્રીજી પેઢીનું એન્ટી ટેન્ક મિસાઈલ છે.

રણમાં વધુ પડતાં તાપમાનથી પણ આ મિસાઈલ પ્રભાવિત થતું નથી. આ મિસાઈલ ૧૦ વર્ષ સુધી કોઈ પણ જાતના મેન્ટનન્સ વગર તેનો ઉપયોગ કરી શકાય છે. નાગ મિસાઈલની સ્પીડ પ્રતિ સેકન્ડ ૨૩૦ મીટરની છે. આ મિસાઈલની એક ખાસિયત એ છે કે એકવાર મિસાઈલ દાગ્યા બાદ તેને રોકી શકાતી નથી.

નાગ મિસાઈલની વિશિષ્ટતાઓ
– મિસાઈલને છોડ્યા બાદ રોકવી અશક્ય છે.
– નાગ મિસાઈલનું વજન ૪૨ કિ.ગ્રામ છે.
– નાગ મિસાઈલ આઠ કિ.ગ્રામ વિસ્ફોટકો સાથે ચારથી પાંચ કિ.મી. સુધીની રેન્જમાં નિશાનને સરળતાથી વીંધી શકે છે.
– નાગ મિસાઈલની સ્પીડ પ્રતિ સેકન્ડ ૨૩૦ મીટર છે.
– નાગ મિસાઈલ લોન્ચ કર્યા બાદ તુરત ધુમાડો નીકળતો નથી અને તેથી દુશ્મનને તેની ગંધ આવતી નથી.

You might also like