નડિયાદ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરિફ વરણી

નડિયાદ: નડિયાદ નગરપાલિકાના પ્રમુખપદની ગઇકાલે બપોરે એક વાગ્યાના સુમારે પાલિકા સભાખંડમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલ ચૂંટણીમાં ભાજપના ૮ નંબર વોર્ડના સભ્ય હિતેશભાઈ પટેલ (બાપાલાલ)ની બીનહરિફ વરણી થતાં શહેરમાં પ્રમુખપદની ચાલતી અટકળોનો અંત આવ્યો છે.

જ્યારે ઉપપ્રમુખપદે પણ વોર્ડ નં.૮ના મહિલા સભ્ય બીનતાબેન દેસાઈની બીનહરિફ વરણી કરાઈ છે. સાથે સાથે ભાજપ દ્વારા પાલિકામાં મુખ્ય એવી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનનું પણ ગઇકાલે જાહેર કરી પાલિકામાં સતત ચાર ટર્મથી ચૂંટાતા અજય બ્રહ્મભટ્ટની વરણી કરાઈ છે.

જ્યારે પક્ષના નેતા તરીકે સુષ્માબેન શાહ અને પાલિકામાં પ્રથમ વખત દંડકનું નવું પદ ઉભું કરી આ પદે સિનીયર સભ્ય કુમારભાઈ ટહેલ્યાણીની નિમણૂંક કરાઈ છે. વરણી બાદ પ્રમુખપદે નિમાયેલ હિતેશભાઈ પટેલના ટેકેદારો દ્વારા ઢોલ નગારા ડીજે સાથે પ્રમુખનું ભવ્ય સરઘસ નિકાળવામાં આવ્યું હતું. નડિયાદ નગરપાલિકાની તા.૨૯ નવેમ્બરના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શહેરના મતદારોએ ભાજપ તરફી ભારે મતદાન કરતાં પાલિકામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું હતું.

પાલિકાની કુલ ૫૨ બેઠકોમાંથી ૪૧ બેઠકો ભાજપે અંકે કરી લીધી હતી. જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠક અને અપક્ષોએ ૯ બેઠકો પર બાજી મારી લીધી હતી. બાદમાં પાલિકાના પ્રમુખપદને લઈને શહેરમાં અટકળોનો દોર શરુ થયો હતો. દરમ્યાન પાલિકા પ્રમુખપદની ચૂંટણી તા.૧૨મીના રોજ જાહેર થતાં શહેરમાં ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. આ વચ્ચે ગઇકાલે પાલિકાના પ્રમુખપદ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનની બીન હરિફ વરણી કરાઈ હતી.

You might also like