ડોપિંગઃ હોકી ગોલકીપર આકાશ ચિકતે પર મૂકાયો બે વર્ષનો પ્રતિબંધ

નવી દિલ્હીઃ નેશનલ એ‌િન્ટ ડોપિંગ એજન્સી (નાડા)એ હોકી ગોલકીપર આકાશ ચિકતેને વર્ષની શરૂઆતમાં પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવા બદલ બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો છે. આકાશને નાડાએ ૨૬ માર્ચે હંગામી ધોરણે સસ્પેન્ડ કરી દીધો હતો અને ૮ ઓક્ટોબરે અંતિમ સુનાવણી બાદ ડોપિંગ વિરોધી પેનલે બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો.

આકાશ ચિકતેએ ટૂર્નામેન્ટ દરમિયાન પ્રતિબંધિત એનાબોલિક સ્ટિરોઇડનું સેવન કર્યું હતું. એ પરીક્ષણ ૨૭ ફેબ્રુઆરીએ બેંગલુરુમાં સિનિયર હોકી ટીમની શિબિર દરમિયાન કરવામાં આવ્યું હતું. જાણી જોઈને આકાશે નિયમનું ઉલ્લંઘન નહોતું કર્યું, કારણ કે તેણે ડાબા પગમાં થયેલી ઈજાને કારણે દવા લીધી હતી. ચિકતે ઉપરાંત અન્ય રમતના છ ખેલાડીઓને એ‌િન્ટ ડોપિંગ નિયમ અંતર્ગત ચાર વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે.

કારણ કે તેઓ સાબિત ન હોતા કરી શક્યાં કે પ્રતિબંધિત પદાર્થ તેમના શરીરમાં કેવી રીતે પહોંચ્યો. પહેલવાન અમિત, કબડ્ડી ખેલાડી પ્રદીપકુમાર, વેઇટલિફ્ટર નારાયણસિંહ, એથ્લીટ સૌરભસિંહ, બલ‌િજતકૌર અને સિમર‌િજત કૌરનો સમાવેશ આ છ ખેલાડીઓમાં થાય છે.

પેનલના સભ્યોમાં એક ઓલિમ્પિયન અને ભૂતપૂર્વ હોકી કેપ્ટન જગબીરસિંહ છે. બધા દોષી ખેલાડીઓ પાસે આ પ્રતિબંધ સામે અપીલ કરવા માટે ત્રણ સપ્તાહનો સમય છે. એવી શક્યતા છે કે નાડા ચિકતે પર કડક પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરી શકે છે, કારણ કે આકાશ એ ભારતીય ટીમનો સભ્ય હતો, જેણે એશિયન પુરુષ ચેમ્પિયન્સ ટ્રોફી અને ઢાકામાં એશિયા કપમાં જીત હાંસલ કરી હતી.

You might also like