મ્યુનિ.ના સ્વિમિંગપૂલમાં ૩૦ કોચની હજુય અછત

અમદાવાદ: ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં સૂર્યનારાયણ ૪૩-૪૪ ડિગ્રીએ તપીને ગગનમાંથી અગનવર્ષા વરસાવી રહ્યા છે. ભીષણ ગરમીથી બેહાલ કરી દેનારા આવા દિવસોમાં અમદાવાદીઓને મ્યુનિ.સ્વિમિંગપૂલમાં પણ ઠંડકનો અહેસાસ થઇ શકે તેમ નથી. કેમ કે અડધા ઉનાળે સત્તાવાળાઓ સ્વિમિંગપૂલના કોચ શોધવા નીકળ્યું છે.
કોર્પોરેશનના ભ્રષ્ટ તંત્રને કરોડો રૂપિયાના પ્રોજેકટમાં જેટલો રસ છે તેનાથી દસ ટકા જેટલો રસ પણ પ્રોજેકટની સારસંભાળમાં નથી. આનું વધુ એક ઉદાહરણ સ્વિમિંગપૂલનું છે. સત્તાધીશોએ સાબરમતી સ્વિમિંગપૂલને અઢી કરોડના ખર્ચે આધુનિક બનાવ્યો છે, પરંતુ લાલ દરવાજા સ્વિમિંગપૂલ કહો કે ઓઢવ સ્વિમિંગપૂલ પરંતુ મ્યુનિ. માલિકીના તમામ ર૭ સ્વિમિંગપૂલ ધણી ધોરી વગરના જ છે.
કોર્પોરેશનના ૧૪ મોટા સ્વિમિંગપૂલ અને ૧૩ બાળ સ્વિમિંગપૂલ માટે ૪ર પુરુષ કોચ અને ૧૮ મહિલા કોચ મળીને કુલ ૭૦ કોચ હોવા જોઇએ તેના બદલે ૩૦ પુરુષ કોચ અને ૧૦ મહિલા કોચ મળીને ફકત ૪૦ કોચ ફરજ બજાવે છે. એટલે કે કુલ ૩૦ કોચની ઘટ છે. તે પણ આજ કાલની નથી, પરંતુ મહિનાઓથી છે.
આ તો ઠીક મેગાસિટી અમદાવાદના મ્યુનિ. સ્વિમિંગપૂલનો વહીવટ સંભાળવા માટે તંત્ર પાસે પૂર્ણકક્ષાના સ્વિમિંગપૂલ સુપરિન્ટેન્ડેન્ટ નથી. છેલ્લા બે વર્ષથી પથિક શાહ નામના અધિકારી પાસે સ્વિમિંગપૂલનો વધારાનો હવાલો છે. હવે જ્યારે અડધો ઉનાળો થવા આવ્યો છે ત્યારે બેખબર તંત્રને કોચના ઘટની ખબર પડી છે.
ઉનાળાના વેકેશન દરમિયાન જ્યારે બાળકો સહિત મહિલાઓ સ્વિમિંગપૂલનો આનંદ લેવા થનગનતી હોય. સભ્ય સંખ્યામાં અને તે મુજબ મ્યુનિ. કોર્પોરેશનની આવકમાં ત્રણથી ચાર ગણો વધારો થતો હોય તેવા સમયે સત્તાવાળાઓ જે સ્વિમિંગપૂલમાં કોચની વધુ ઘટ હોય ત્યાં અન્ય સ્વિમિંગપૂલના કોચને મૂકીને ફરજની ઇતિશ્રી કરી રહ્યા છે. તંત્રના આવા ગોરખધંધાઓથી સ્વાભાવિકપણે તરણ શોખીનો રોષે ભરાયા છે. એટલે હવે રહી રહીને ર૬ આસિ. કોચ શોધવામાં આવી રહ્યા છે. તે પણ બે મહિના પૂરતા પાર્ટટાઇમ જ હશે.
આ અંગે રિક્રિએશન કમિટીના ચેરપર્સન બીજલ પટેલને પૂછતાં તેઓ કહે છે કે, “મારી કમિટીની બેઠકમાં પણ કોચની ઘટ સંદર્ભે તંત્રનું વારંવાર ધ્યાન દોર્યું છે. તેમ છતાં તંત્ર લેશમાત્ર ગતિશીલ બન્યું નથી.”

You might also like