કચ્છમાં આઠ જેટલા ભેદી ધડાકા

અંજાર: કચ્છ જિલ્લામાં કેટલાક ગામોમાં ધડાકાઓનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. આ માટે આઈએસઆર દ્વારા ભૂગર્ભીય ભૂકંપીય સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તારણોમાં કોઈ અનઅપેક્ષિત હલચલ જોવા ન મળી હોવાનું સિસ્મોલોજી સેન્ટર દ્વારા જણાવેલ છે તેમ છતાં ભેદી ધડાકાનો સિલસિલો આજે પણ સતત ચાલુ જ રહ્યો છે. ચોબારીમાં આઠ જેટલા ભેદી ધડાકાનો અનુભવ લોકોને થતાં ગભરાટનું વાતાવરણ જોવા મળેલ હતું.

ભચાઉ તાલુકાના ચોબારી તેમજ માંડવી વિસ્તારના લોકોને ભેદી ધડાકાનો અનુભવ થયો હતો. જેમાં આઠથી દસ જેટલા થયેલા ભેદી ધડાકાથી લોકોમાં ઉચાટ પણ પ્રસરી ગયો હતો. સિસ્મોલોજી સેન્ટરમાં કચ્છના અંજાર, ભચાઉ, રાપરમાં પણ આંચકા નોંધાયા હોવાની નોંધ થઈ છે. જેમાં વહેલી સવારે ૩.૧૨ મિનિટે રાપર નજીક ૧.૪ સવારે ૭.૭ મિનિટે ૧.૩ તથા બપોરના ૧૨.૦૩ મિનિટ ૨.૦નો તીવ્રતાનો આંચકો ભચાઉ નજીક નોંધાયો હતો. જયારે અંજારમાં આંચકાઓનો અનુભવ લોકોએ અનુભવ્યો હતો.

જયારે ધડાકા સાથે કંપન અનુભવી રહેલા મુન્દ્રા મધ્ય ગુજરાત આપત્તિ નિવારણ વિભાગ અને સિસ્મોલોજીની જાણકારી ધરાવતા ઉચ્ચ તજજ્ઞોની ટીમ આજ રોજ સાંજ સુધી પહોંચી આવશે. તેવી માહિતી નાયબ કલેકટર જેવી દેસાઈએ ગઈકાલે બોલાવેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની બેઠકમાં આપતા ઉમેર્યું હતું કે, મુન્દ્રામાં થતા કંપન અને ધડાકાનો અહેવાલ સુપરત કર્યા બાદ સરકારે જાગૃતિ દાખવવા તપાસ અર્થે સત્વરે ટીમ મોકલવાનો નિર્ણય લીધો હતો.

નાયબ કલેકટરે જણાવ્યું હતું કે આપદા અચાનક આવતી હોય છે. તેવા સંજોગોમાં જાનમાલની નુકસાની અટકાવી તેમ શકાય તેની તૈયારી દાખવવી જોઈએ. શાળામાં બંધ બારણે શિક્ષણ ન આપવા, અફવાથી દૂર રહેવા, તેમજ આવશ્યક મનાતી સેવાના કર્મચારીને પ્રાંતની મંજૂરી વગર હેડકવાર્ટર ન છોડવા નિર્દેશ અપાયા હતા. તેમણે ધડાકા અને કંપન કુદરતી છે કે માનવ સર્જિત તે દિશામાં પણ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. તેમજ જેસીબી, આરોગ્ય ખાતાને તબીબી પુરવઠો ઉપલબ્ધ રાખવા સૂચના આપી હતી. પ્રત્યેક ગામની જર્જરિત સંકુલોની મોજણી કરવા આદેશ આપ્યો હતો, મુન્દ્રા મધ્યે શ્રેણીબધ્ધ રીતે થતા ધડાકા અને કંપનને અનુભવી મામલતદાર કચેરી મધ્યે ખાસ કન્ટ્રોલ રૃમ શરૃ કરવામાં આવ્યો છે. પ્રશાસને ખાનગી ઉદ્યોગગૃહોને ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય રાખવા, આ બેઠકમાં કોઈપણ સંજોગોમાં સ્વીચ ઓફ ન કરવા કડકપણે સૂચના જારી કરી હતી. મુન્દ્રાની પ્રાંત કચેરી મધ્યે સંભવિત ડિઝાસ્ટર સામેની અગમચેતી બેઠકમાં ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ બેઠકમાં કચ્છના સર્વે અધિકારીઓને કડક સૂચનાઓ અપાઈ હતી.

You might also like