રેલવે ઓવરબ્રિજ નીચે માથામાં પથ્થર મારી મહિલાની હત્યા, લૂંટના ઇરાદે હત્યાની શંકા

અમદાવાદ: શાહીબાગ પોલીસ કમિશનર અોફિસ પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ નજીક રહેતી મહિલાની માથામાં પથ્થર મારી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં માધવપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

કોઇ અજાણી વ્યક્તિ અગમ્ય કારણસર મહિલાની હત્યા કરી લાશને ઢસડીને બ્રિજની બાજુમાં પિલ્લર પાસે મૂકી ફરાર થઇ ગઇ હતી. માધવપુરા પોલીસે અજાણ્યા શખસ સામે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ શાહીબાગ પોલીસ કમિશનર ઓ‌િફસ સામે આવેલા શાહીબાગ રેલવે ઓવરબ્રિજ (મહાપ્રજ્ઞ ઓવરબ્રિજ) પાસેના રબારીવાસમાં વિનોદભાઇ વિઠ્ઠલભાઇ દંતાણી તેમના પરિવાર સાથે રહે છે. વિનોદભાઇનાં બહેન સંગીબહેન (ઉ.વ.૩પ)નાં ૧પ વર્ષ અગાઉ કઠલાલ ખાતે લગ્ન થયાં હતાં, જોકે સંગીબહેન માનસિક રીતે અસ્થિર હોવાથી તેઓના છૂટાછેડા થઇ ગયા હતા.

છૂટાછેડા લીધા બાદ શાકભાજીનો વેપાર કરતા અને પોલીસ કમિશનર ઓફિસ પાસે આવેલા રબારીવાસમાં રહેતા તેમના ભાઇ વિનોદભાઇ સાથે સંગીબહેન રહેતાં હતાં. અસ્થિર મગજનાં હોવાથી અવારનવાર તેઓ બ્રિજ નીચે અથવા આસપાસના વિસ્તારમાં જતાં રહેતાં હતાં. મોટા ભાગે તેઓ બ્રિજ નીચે બેસી રહેતાં હતાં.

ગઇ કાલે મોડી રાતે વિનોદભાઇ પાણી પીવા માટે ઊઠ્યા હતા. દરમ્યાનમાં ઘરમાં સંગીબહેનને ન જોતાં તેમનાં પત્નીને ઉઠાડી પૂછપરછ કરી હતી. રેલવે ઓવરબ્રિજ નીચે તેઓ મોટા ભાગે જતાં હોવાથી બંને પતિ-પત્ની શોધવા માટે નીકળ્યાં હતાં. દરમ્યાનમાં બ્રિજ નીચે આવીને જોતાં સંગીબહેનની લાશ મળી આવી હતી.

માથા પર મોટો પથ્થર મારીનેે તેમની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ અજાણી વ્યક્તિએ લાશને ઢસડીને બ્રિજની બાજુમાં પિલ્લર પાસે ફેંકી દીધી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરાતાં માધવપુરા પોલીસનો કાફલો તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તપાસ કરતાં ઘટનાસ્થળેથી અેક મોટો પથર અને સંગીબહેનનાં ચંપલ મળી આવ્યાં હતાં. લાશને ઢસડીને લઇ જવાનાં નિશાન પણ મળી આવ્યાં હતાં.

કોઇ અજાણી વ્યક્તિ માથામાં પથ્થર મારી તેમની હત્યા નીપજાવી ફરાર થઇ ગઇ હતી. એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમને પણ જાણ કરાતાં તેઓએ તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચની ટીમને પણ જાણ કરાતાં તે પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી હતી.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજની નીચે કેટલાક ભિખારી અથવા અસામાજિક તત્ત્વોનો અડ્ડો હતો, જેથી તેઓ આ હત્યામાં સંડોવાયેલા હોવાની શંકાના આધારે તેઓની તપાસ શરૂ કરાઇ છે. બીજી તરફ રેલવે લાઇન આવેલી હોઇ ત્યાં પાવડ‌િરયા અને દારૂડિયા લોકોની અવરજવર હોવાથી મહિલાની લૂંટના ઇરાદે પણ હત્યા કરાઇ હોવાની પોલીસ આશંકા વ્યક્ત કરી રહી છે.

મહિલા સાથે બળાત્કાર થયો છે કે નહીં તે પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થાય તેવું પોલીસે જણાવ્યું હતું. હાલમાં માધવપુરા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

You might also like