‘મારી શેરી, સ્વચ્છ શેરી’ અભિયાન અંતર્ગત સાઈકલયાત્રાનું અાયોજન

અમદાવાદઃ બોડકદેવ વિસ્તારમાં અાવતી કાલે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા માટે એક અનોખી સાઈકલયાત્રાનું અાયોજન કરવામાં અાવ્યું છે.  સમગ્ર શહેરને ખૂબ ઝડપથી સ્વચ્છ કરવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ‘માય અોન સ્ટ્રીટ’ ‘મારી શેરી, સ્વચ્છ શેરી’ સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે. સ્વચ્છતા અભિયાન હેઠળ કચરાનું અલગીકરણ (ભીનો કચરો-સૂકો કચરો), તેના અલગ એકત્રીકરણની કામગીરી મુખ્ય છે. કાટમાળનો નિકાલ અને ગંદકીનો નિકાલ પણ અા સ્વચ્છતા અભિયાનનાં મુખ્ય પાસાં છે.

અા અભિયાન હેઠળ કાલે ૩૦ જાન્યુઅારી, શનિવારે સવારે ૮.૦૦ કલાકે જજીસ બંગલોઝ ચાર રસ્તા પાસે એક સાઈકલયાત્રા યોજવામાં અાવી છે. અા કાર્યક્રમમાં સંગીત અને ડાન્સના માધ્યમથી લોકોને ‘મારી શેરી, સ્વચ્છ શેરી’ અભિયાન અને સ્વચ્છતાના મહત્ત્વ અંગે માહિતગાર કરવામાં અાવશે. મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ મ્યુનિ. કોર્પોરેશનના મેયર ગૌતમ શાહ દ્વારા સાઇકલયાત્રાને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવવામાં અાવશે.

અા સાઈકલ રેલીમાં રજિસ્ટ્રેશન સવારે ૭.૩૦ કલાક પહેલાં કરાવવાનું રહેશે. ફોટો અાઈડી પ્રૂફની ઝેરોક્ષ સાથે લાવવી જરૂરી છે. સાઈકલ વહેલા તે પહેલાના ધોરણે અપાશે અને વ્યક્તિ પોતાની સાઈકલ પણ લાવી શકે છે. અા સાઈકલયાત્રા બોડકદેવના લગભગ ૧૦ કિલોમીટર વિસ્તારમાં ફરશે. રેલીમાં રજિસ્ટ્રેશન કરાવવા દુર્ગેશ પંચાલના મોબાઈલ નંબરઃ 8128889999 પર સંપર્ક કરવો અથવા sy@nilainfra.com પર મેઈલ કરવો.

You might also like