મારો દીકરો બધાંનો લાડકો હતો, તેનો જીવ કોણે લીધો?

અમદાવાદ: મારો દીકરો ચાલીમાં બધાનો લાડકો હતો. પૂરઝડપે સાઇકલ ચલાવવાનું તેને ખૂબ ગમતું હતુું. જેના કારણે અવારનવાર તેની ફરિયાદ પણ આવતી હતી. મારો દીકરો કઇ રીતે મરી ગયો તે હજુ સુધી અમને ખબર નથી અને અમારે કોઇ સાથે દુશ્મનાવટ પણ નથી. મારો દીકરો તો મરી ગયો છે, પરંતુ તેના હત્યારાઓને પોલીસ શોધીને રહેશે તેવો અમને વિશ્વાસ છે, આ શબ્દો છે ગોમતીપુરની શંકરપુરાની ચાલીમાં રહેતા કિરીટ પરમારના, જેમના દસ વર્ષના દીકરાની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ તથા ક્રાઇમ બ્રાંચની ટીમે હત્યાનો ભેદ ઉકેલવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે, જોકે હજુ સુધી પોલીસને કોઇ કડી મળી નથી.

ગોમતીપુરમાં શંકરપુરાની ચાલીમાં રહેતા વિવેક પરમારની પથ્થર વડે મોં છૂંદી કરાયેલી હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. ઘર પાસે રમી રહેલો વિવેક શનિવારે રાતે ૮-૩૦ વાગ્યાથી ગુમ થયો હતો અને રવિવારે સવારે ખોખરાબ્રિજના છેડે આવેલા સલાટનગર પાસેની અવાવરું જગ્યામાંથી તેની લાશ મળી હતી. હજુ સુધી વિવેકની હત્યામાં પોલીસને કોઇ કડી મળી નથી. આ અંગે પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધ્યો છે.
વિવેકના પિતા કિરીટભાઇના જણાવ્યા અનુસાર તે અમરાઇવાડીના જનતાનગર ખાતેની વિવેકાનંદ સ્કૂલમાં ધો.પમાં અભ્યાસ કરતો હતો. તે ભણવામાં એકદમ હોશિયાર હતો અને તોફાની હતો.

વિવેક સાઇકલ ચલાવવાનો બહુ શોખીન હતો. સ્પીડમાં સાઇકલ અલગ અલગ રીતે ચલાવતો હોવાથી તે ચાલીમાં પ્રખ્યાત હતો. ઘણા વખતે છોકરાંઓ રમતાં હોય ત્યાં પણ સાઇકલના સ્ટન્ટ કરતો હતો. જાહેર રોડ ઉપર પણ તે પુરઝડપે સાઇકલ ચલાવતો હતો, જેના કારણે તેની અસંખ્ય ફરિયાદ પણ આવતી હતી. વિવેકનાં તોફાનથી તે ચાલીમાં રહેતા તમામ લોકોને પસંદ હતો.
અમારે ક્યારેય કોઇ સાથે દુશ્મનાવટ થઇ નથી.  શનિવારની રાત્રે પત્ની કમળાબહેનને નોકરી પરથી લઇને ઘરે આવ્યા ત્યારે વિવેક રમવા ગયો હતો. રાત્રે પરત નહીં આવતાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

જોકે બીજા દિવસે એટલે કે રવિવારે સવારે ૭.૩૦ વાગ્યે ખોખરાબ્રિજના છેડે સલાટનગર ખાતેની અવાવરું જગ્યામાંથી વિવેકની લાશ મળી આવી હતી. પથ્થર વડે વિવેકનું મોં છૂંદીને તેની હત્યા કરાઈ હતી. પોલીસે ઘટનાની ગંભીરતા લઇને તપાસ શરૂ કરી છે અને ક્રાઇમ બ્રાંચે પણ તપાસ શરૂ કરી છે. હાલ તો પોલીસને કોઇ પણ કડી મળી નથી તેમ છતાં પોલીસ એકાદ-બે દિવસમાં આરોપીને શોધી કાઢશે તેવો દાવો કર્યો છે.

આ મુદ્દે એચ ડિવિઝનના એસીપી કે.ડી. પટેલે જણાવ્યું હતું કે વિવેકની હત્યા કયા કારણે થઇ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ ચાલુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો પણ બાકી છે. હાલ તો તમામ દિશામાં તપાસ શરૂ કરી દેવાઇ છે.

You might also like