મારું વ્યક્તિત્વ નિરાશાજનક છે, જીવનમાં મારું સ્થાન શું છે તે ખબર નથી!!!

અમદાવાદ: છોટા ઉદેપુરના ડીવાયએસપી એમ એ વાળાએ ગઇકાલે સવારે પોતાની ઓફિસમાં સર્વિસ રિવોલ્વરથી છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. સૂત્રોનાં જણાવ્યા મુજબ તેમની ઓફિસમાંથી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં પોતાનું વ્યક્તિત્વ નિરાશાજનક અને હતાશાભર્યું જીવન હોવાનું લખ્યું છે. હાલમાં પોલીસે ચિઠ્ઠી કબજે કરી એફએસએલમાં મોકલી આપી છે.

મૂળ અમરેલીના અને હાલમાં જ છોટા ઉદેપુરમાં ડીવાયએસપી તરીકે નિમાયેલા મૂળરાજસિંહ એ વાળા (ઉ.વ.પ૧) વર્ષ ૧૯૯૩માં પીએસઆઇ તરીકે ભરતી થયા હતા. તેઓએ મોટાભાગે દ‌િક્ષણ ગુજરાતમાં ફરજ બજાવી ચૂક્યા છે. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં પણ તેઓ પી.આઇ. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અમદાવાદમાં પીઆઇ હતાં ત્યારે વિસ્તારમાં ગુનેગારો તેઓનું પ્રભુત્વ હતું. પોતે ગર્ભશ્રીમંત હતા. પોતાના પેટ્રોલ પંપ અને જમીનો હોવા છતાં તેઓ પીએસઆઇ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ એમ.એ.વાળા ગર્ભશ્રીમંત હોવા છતાં તેઓને પોલીસમાં નોકરી કરવાની ઇચ્છા અને શોખ હોવાથી તેઓ પોલીસમાં જોડાયા હતા. સૂત્રોનાં જણાવ્યા મુજબ આત્મહત્યા કરતાં પહેલાં તેઓઓે અંતિમ ચિઠ્ઠી લખી હતી જેમાં તેઓએ લખ્યું હતું કે નિરાશાજનક વ્યક્તિત્વ છે, જીવનમાં હું વિચારું છું, જીવનમાં મારું સ્થાન શું છે તે ખબર નથી. આ ચિઠ્ઠી ઓફિસની કચરાપેટીમાંથી મળી આવી હતી. આ ચિઠ્ઠી પોલીસે કબજે કરી છે.

છોટા ઉદેપુરનાં ડીએસપી પી.સી.બરંડાએ જણાવ્યું હતું કે હાલમાં અંતિમ ચિઠ્ઠી કબજે લેવામાં આવી છે તેમ એફએસએલની મદદ લઇ અને તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ અધિકારી એચ.વી.મેવાડાએ જણાવ્યું હતું કે તેઓએ પોતાની અંતિમ ચઠ્ઠીમાં પોતાનાં જીવનની હતાશા અંગે લખ્યું છે અને પોતે જીવનથી હતાશ થઇ ગયા હોઇ આત્મહત્યા કરી હોઇ શકે. આજે તેઓના સુરત ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

You might also like