મારી પત્નીએ જ દોઢ વર્ષની પુત્રીની હત્યા કરી નાખી છે!

અમદાવાદ: શહેરના ગોતા ઓવરબ્રિજ પાસે રહેતી મહિલાએ પોતાની પુત્રીને મારી નાખી હોવાનો સણસણતો આક્ષેપ ખુદ મહિલાના પતિ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે સોલા પોલીસે આજથી આઠ દિવસ પહેલાં વાડજ સ્મશાનગૃહમાં દફન કરેલી બાળકીના મૃતદેહને બહાર કાઢીને તેને પી.એમ. માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે આ અંગે પતિ-પત્નીના ઘરેલુ ઝઘડાના કારણે આ ફરિયાદ કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઉપરાંત બાળકીના પી.એમ. અને એફએસએલના રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ગોતા ઓવરબ્રિજ પાસેની એક સોસાયટીમાં રહેતા મનાલીબહેન રાવલની દોઢ વર્ષની પુત્રી જિયાનું ગત તા. 1લી મેના રોજ અવસાન થયું હતું. જેના કારણે તેની માતા મનાલીબહેન અને તેના પરિવારજનો દ્વારા બાળકી જિયાની અંતિમવિધિ વાડજ સ્મશાનગૃહમાં કરવામાં આવી હતી. બાળકી જિયાનાં મૃત્યુ બાદ હિંમતનગર ખાતે રહેતા મનાલીબહેનના પતિ અભિષેક દિનેશભાઈ ભટ્ટ દ્વારા સોલા પોલીસમથકમાં એક અરજી કરીને જણાવ્યું હતું કે તેમની પત્નીએ તેમની દોઢ વર્ષની પુત્રીને મારી નાખીને તેમની અંતિમવિધિ કરી દીધી હતી.આ અરજીના કારણે સોલા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મામલતદાર તેમજ એફએસએલની ટીમની ઉપસ્થિતિમાં બાળકીના દફન કરેલા મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ (પી.એમ.) કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

આ મામલે સોલા પોલીસ મથકના પીઆઈ ડી.વી રાણાએ જણાવ્યું હતું કે હિંમતનગર ખાતે રહેતા અભિષેક દિનેશભાઈ ભટ્ટે એક અરજી આપીને રજૂઆત કરી હતી કે ગોતા ઓવરબ્રિજ પાસે આવેલી સોસાયટીમાં રહેતા મનાલીબહેન રાવલ સાથે તેમના લગ્ન થયાં હતાં. આ લગ્ન જીવનથી આજથી દોઢ વર્ષ પહેલાં તેમને એક બાળકી જિયાનો જન્મનો થયો હતો. જિયાના જન્મ બાદ તેમની અને તેમની પત્ની વચ્ચે કૌટુંબિક ઝઘડાના કારણે બંને વચ્ચે કોર્ટ કેસ ચાલી રહ્યા છે. જેના કારણે એકાદ વર્ષથી મનાલીબહેન પુત્રી જિયાને લઈને તેમના પિતાના ઘરે રહેવા આવી ગયાં હતાં.

દરમિયાનમાં ગત તા. 1લી મેના રોજ જિયાનું મૃત્યુ થયું હતું. આ અંગે મનાલીબહેન અને તેમના પરિવારજનોએ તેની અંતિમક્રિયા કરી નાખી હતી. આ અંગે અરજદાર અભિષેક ભટ્ટે તેની પત્ની સામે પોતાની પુત્રી બીજા લગ્ન માટે અડચણરૂપ હોવાથી તેને મારી નાખીને અંતિમક્રિયા કરી નાખી હોવાનો આક્ષેપ કર્યો છે.

પીઆઈ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે મનાલીબહેનની પૂછપરછમાં તેમણે કહ્યું હતું કે જિયાનું મૃત્યુ કુદરતી રીતે થયું છે. જો તેમના પતિએ ઘરેલુ ઝગડાના કારણે આવો આક્ષેપ કર્યો છે.

આ મામલે બી ડિવિઝનના એસીપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ મામલે મામલતદાર તેમજ એફએસએલની ટીમને બોલાવીને બાળકીના મૃતદેહને બહાર કા‍ઢી પી.એમ. કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અંગે પી.એમ. અને એફએસએલના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે.

You might also like