મારાં બાળકોએ પણ ઓડિશન આપવું પડશેઃ આમિર ખાન

બોલિવૂડ અભિનેતા આમિરખાનનું કહેવું છે કે પોતાનાં બાળકો જુનેદ, ઈરા અને આઝાદની પ્રતિભાનું આકલન કરતાં તે ક્યારેય સંતાન મોહમાં નહીં પડે. તેનું કહેવું છે કે તે પોતાનાં બાળકોને ક્યારેય નહીં જણાવે કે તેમણે કઇ કરિયર અપનાવવી જોઇએ. આમિરના મોટા પુત્ર જુનેદે રાજકુમાર હીરાનીની બે ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ૨૫ વર્ષીય જુનેદને થિયેટર અને એક્ટિંગમાં રસ હતો, પરંતુ હાલમાં તેણે બોલિવૂડમાં બ્રેક આપવા માટે પોતાના પિતા સાથે વાત કરી નથી.

જુનેદને લોન્ચ કરવાની વાત પર આમિરે કહ્યું કે જો તેના મતલબનો કોઇ વિષય હશે અને તે ઓડિશન પાસ કરશે તો જુનેદને લોન્ચ કરવા અંગે વિચારી શકું છું. હજુ સુધી તેણે એવી કોઇ વાત કરી નથી. આમિરે એમ પણ જણાવ્યું કે તેની પુત્રી ઈરાએ પણ બોલિવૂડ પ્રવેશમાં લઇને તેની સાથે કોઇ વાત કરી નથી. તેને પૂછવામાં આવ્યું કે શું આગામી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં તેના પાત્રનો બાળપણનો રોલ આઝાદ કરશે? તો તેણે કહ્યું કે અરે! હજુ મેં તે અંગે કંઇ વિચાર્યું નથી.

સાચું કહું તો કાસ્ટિંગ ડિરેક્ટર એવી સલાહ આપે અને આઝાદ ઓડિશનમાં પાસ થાય તો આ બની શકે છે. મારાં બાળકોએ મારા હોમ પ્રોડક્શનની ફિલ્મમાં પણ ઓડિશન પાસ કરવું પડશે તો જ તેમને ફિલ્મોમાં કામ મળશે. આમિરના જણાવ્યા અનુસાર બે-ત્રણ વર્ષ પહેલાં તેની પત્ની કિરણે તેને કહ્યું હતું કે તે પોતાનાં બાળકોને પર્યાપ્ત સમય આપી રહ્યો નથી. ત્યારબાદથી આમિર સાંજે છ વાગ્યે ઘરે આવી જાય છે અને બે કલાક એટલે કે છથી આઠ આઝાદ સાથે સમય વીતાવે છે. આઠ વાગ્યા બાદ તે ફરી પોતાનું કામ શરૂ કરે છે. •

You might also like