સપનાં પૂરાં થઈ રહ્યાં છેઃ નેહા

અત્યારે સિક્વલ ફિલ્મોની રિલીઝ પુરજોશમાં થઇ રહી છે. આવામાં ૨૦૦૧ની સુપરહિટ ફિલ્મ ‘તુમ બિન’ની સિક્વલ ‘તુમ બિન-૨’ની રિલીઝ ચર્ચામાં છે. સાથેસાથે આ ફિલ્મની અભિનેત્રી નેહા શર્મા પણ ચર્ચામાં છે. નેહાની આ પહેલી ફિલ્મ નથી, પરંતુ આ ફિલ્મ તેને એ મુકામે લઇ જશે, જ્યાં જવાનું સપનું દરેક અભિનેત્રી જોતી હોય છે. આ ફિલ્મ માટે નેહાની પસંદગી ઘણી મુશ્કેલીઓ બાદ થઇ હતી. ફિલ્મના નિર્માતા-નિર્દેશક નવા ચહેરાની તલાશમાં હતા. લગભગ છ મહિના સુધી ઓડિશન થયાં, પરંતુ સફળતા ન મળી. બાદમાં લોકપ્રિય કાસ્ટિંગ ડિરેક્ટર મૂકેશ છાબડાએ નેહાનો સંપર્ક કર્યો.

નેહા ફિલ્મ અંગે વાત કરતાં કહે છે કે મારા પર આગામી ફિલ્મની અભિનેત્રી જેવા દેખાવાનું કોઇ દબાણ ન હતું, કેમ કે કોઇ બે વ્યક્તિ જ્યારે એક જેવી એક્ટિંગ કરી ન શકે. નેહા કહે છે કે મને આ ફિલ્મનું નામ ખૂબ જ આકર્ષક લાગ્યું અને ફિલ્મના ડિરેક્ટર અનુભવ સર. ‘તુમ બિન’ લોકપ્રિય ફિલ્મ હતી, તેનાં ગીતો આજે પણ લોકો ગણગણે છે. ‘તુમ બિન-૨’ જે દિવસે રિલીઝ થઇ રહી છે તે જ દિવસે ‘ફોર્સ-૨’ પણ રિલીઝ થઇ રહી છે, પરંતુ નેહાને આ બાબતની ચિંતા નથી. તે કહે છે કે બંને સિક્વલ ફિલ્મો ભલે હોય, પરંતુ અલગ ઝોનરની ફિલ્મ છે. દર્શકો પોતપોતાની પસંદગીની ફિલ્મ જોશે. તાજેતરમાં નેહાની ચાઇનીઝ ફિલ્મ ‘જુવાન જેંગ’ ઓસ્કાર માટે પસંદગી પામી હતી. તે કહે છે કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારાં સપનાં પૂરાં થશે, પરંતુ ધીમેધીમે તે પૂરાં થઇ રહ્યાં છે. •

You might also like