માત્ર 4 વર્ષમાં જ મારા વિભાગે લોકોને આપી 1 કરોડ નોકરીઓઃ ગડકરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાદ હવે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરીએ પણ રોજગારનાં મુદ્દા પર સરકારનો બચાવ કર્યો છે. ગડકરીએ એવો દાવો કર્યો કે છેલ્લાં 4 વર્ષમાં તેઓની હેઠળ આવનાર વિભાગોએ એક કરોડ યુવાઓને રોજગાર આપવાનો નિર્ણય કર્યો છે. ગડકરી પાસે માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ, પોત પરિવહન અને નદી વિકાસ અને ગંગા સંરક્ષણ જેવાં મહત્વનાં મંત્રાલય છે.

ગડકરીએ કહ્યું કે,”પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કહ્યું કે તેઓની સરકારે લાખો નોકરીઓ ઊભી કરી છે તે બિલકુલ સાચી વાત છે. આપણા પ્રધાનમંત્રીનાં નેતૃત્વમાં અમારી સરકાર બન્યા બાદ મારા વિભાગોએ 10 લાખ કરોડ રૂપિયાની પરિયોજનાઓનાં કોન્ટ્રાક્સ આપવામાં આવ્યાં છે અને આને પ્રમાણિત કરવા માટે મારી પાસે જરૂરી આંકડા પણ છે.રાજમાર્ગ, પોત પરિવહન, બંદરગાહ, અંતર્દેશીય જળમાર્ગ અને જળ સંશાધન જેવા ક્ષેત્રોમાં આ બધું થયું છે.

રોકાણથી વધે છે રોજગારઃ
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ કહ્યું કે, આ વિભાગોએ મોટી સંખ્યામાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ નોકરીઓ ઊભી કરી છે. મારી અંતર્ગત આવનારા વિભાગોએ એક કરોડ યુવાઓને રોજગાર આપેલ છે.

છેલ્લાં 4 વર્ષમાં રોજગાર સૃજનનો દર વધ્યો છે. ગડકરીએ જણાવ્યું કે જ્યારે પણ 1,000 કરોડ રૂપિયાનું રોકાણ થતું હોય છે ત્યારે 50 હજારથી લઇને 1 લાખની વચ્ચે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રોજગારનાં અવસરો ઊભા થતાં હોય છે.

ગડકરીનાં જણાવ્યા મુજબ માર્ગ અને ભવન નિર્માણમાં ઉપયોગ કરવામાં આવેલ ઉપકરણોનું વિનિર્માણ બે ઘણું વધારે થઇ ગયું છે. સિમેન્ટ ઉદ્યોગ પણ વધી રહ્યો છે. એથી કોઇ પણ કહી શકે છે કે આ વિભાગો સાથે જોડાયેલા ઉદ્યોગો વધી રહ્યાં છે અને એન્જીનિયરો, મજૂરો, ટ્રક ચાલકો જેવાં અનેક લોકોને રોજગાર આપવામાં આવી રહ્યો છે.

You might also like