મારા ભાઈ રેલવેમાં TTE છેઃ તમારો રેલવેનો પાસ બનાવી દઈશ

અમદાવાદ: ‘મારા ભાઇ રેલવેમાં ટીટીઇ છે, તમારો રેલવેનો પાસ બનાવડાવી દઇએ’ કહી ઉત્તરપ્રદેશ અને બિહારના વતની એવા લોકોને રેલવેની ટિકિટ કન્ફર્મ કરાવવાના બહાને ‌િરક્ષામાં બેસાડી લૂંટ કરતા ત્રણ શખસોની રેલવે એલસીબીએ ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ એટીએમ કાર્ડ, પાંચ મોબાઇલ, ‌િરક્ષા અને બાઇક કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ રેલવે સ્ટેશન પર ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવાં રાજ્યમાં જવા માટે મજૂરીકામ કરતા લોકોને નિશાન બનાવી રેલવે ટિકિટ કન્ફર્મ કરાવવાના બહાને લૂંટ કરતી ગેંગ અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી.

દરમ્યાનમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી જગદીશ પીપલોદે ૧પ થી ર૦ દિવસ પહેલાં ગુજરાતમાં ફિટરનું કામકાજ મેળવવા આવ્યા હતા. બે દિવસ અગાઉ અમદાવાદ રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસે તેઓ ઊભા હતા ત્યારે ત્રણ અજાણ્યા શખસ તેમની પાસે આવી ક્યાં જવાનું છે કહી પૂછપરછ કરી હતી.

ઇન્દોર જવાનું કહેતાં અમારે પણ ત્યાં જ જવાનું છે, સાથે જઇશું. “મારા ભાઇ રેલવેેમાં ટીટીઇ છે, રેલવેનો પાસ કઢાવી લઇએ તેમ કહી તમારી પાસેના રૂપિયા અમને આપી દો એટલે ચોરીનો ભય ના રહે તેમ કહ્યું હતું. પૈસા આપવાની આનાકાની કરતાં ત્રણેય તેને પાર્કિંગ પાછળ લઇ ગયા હતા અને તેની પાસેથી રૂ.૧પ૦૦ પડાવી લીધા હતા અને ભાગી ગયા હતા. જગદીશે બૂમાબૂમ કરતાં બહાર હાજર પોલીસે તેઓને ઝડપી લીધા હતા.

આરોપીની પૂછપરછ કરતાં તેમનાં નામ સુભાષ આર. મહંતો (ઉં.વ.ર૯, રહે. જશોદાનગર, ભાડાના મકાનમાં), સુનીલ સોની (ઉ.વ..૩પ, રહે. શ્રીરામનગર, વટવા) અને કમલેશ કોળી (ઉ.વ.ર૯, રહે. ગંગાનગર, વટવા) હોવાનું જણાવ્યું હતું. આરોપીઓ મજૂર જેવા દેખાતા પરપ્રાંતીય લોકોને રેલવે ટિકિટ કન્ફર્મ કરવાનું કહી ‌િરક્ષામાં બેસાડી અન્યત્ર જગ્યાએ લઇ જઇ લૂંટ કરતા હતા. રેલવે એલસીબી પી.આઇ. એન. એચ. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આરોપીઓએ અન્ય ગુના કર્યા છે કે કેમ તેની પૂછપરછ ચાલુ છે.
http://sambhaavnews.com/

You might also like