જાટ યુવકોએ ઈમામને માર મારતાં મુજફફરનગરમાં તંગદિલી

મુજફફરનગર: ઉત્તરપ્રદેશના મુજફફરનગરમાં જાટ સમુદાયના કેટલાક યુવકોએ ચાલુ બસમાં એક ઈમામની મારપીટ કરતાં કોમી તંગદિલી ફેલાઈ જવા પામી છે. આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.  આ ઘટનાના વિરોધમાં અને આરોપીઓની ધરપકડ કરવાની માગણી સાથે શાહપુરમાં લોકોએ દેખાવો પણ કર્યા હતા. અને ઈમામની મારપીટ થઈ હતી તે બસને અટકાવીને ડ્રાઈવર અને કંડકટરને માર માર્યા બાદ આરોપીઓ અંગે પૂછપરછ કરી હતી.

દરમિયાન ઈમામ નૂર મહંમદે જણાવ્યું હતું કે તેઓ શામલી ગયા હતા. ત્યાંથી મુજફફરનગર આવવા અક બસમાં બેઠા હતા. બસ બાજૂ ગામ પહોંચતા જ કેટલાક યુવકો તેમની જાતિ વિષયક ટીકા કરી તેમને ગાળો આપવા લાગતા તેમણે છ યુવાનોને ટકોર કરતાં યુવાનોએ તેમને માર માર્યો હતો. આ દરમિયાન ડ્રાઈવરે તેમને ટોકતા તેઓ ધમકી આપી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઈમામે તેમના મિત્રો અને સંબંધીઓને ઘટના અંગે જાણ કરી હતી.

ત્યારબાદ બસ બાસીકલા ગામ પહોંચતાં જ મુસ્લિમોનાં ટોળાંએ બસને અટકાવી દીધી હતી. અને ટોળાંએ ડ્રાઈવર અને કંડકટરને માર મારીને આરોપીઓ અંગે પૂછપરછ કરી હતી.આ ઘટના બાદ મુજફફરનગર તેમજ આસપાસના વિસ્તારમાં તંગદિલી ફેલાઈ જવા પામી હતી.શાહપુર પોલીસ મથકના એસએચઓ વેદ પ્રકાશ ગિરીએ જણાવ્યું કે આ મામલે નૂર મહંમદે મારપીટ થવા પાછળનું પૂરું કારણ જણાવ્યું નથી.

આ કેસમાં છ લોકો સામે મારપીટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ઈમામની મેડિકલ તપાસ પણ કરાવવામાં આવી છે. હાલ આ મુદે મુજફફરનગરમાં કોમી તંગદિલી ફેલાઈ જવા પામી છે. આ કેસની વધુ તપાસ બાબરી પોલીસ મથકને સોંપવામાં આવી છે.

You might also like