IL&FS: મ્યુચ્યુઅલ ફંડ-LIC રોકાણકારો સામે પણ ખતરો

નવી દિલ્હી: નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) આઇએલ એન્ડ એફએસના હાલ બેહાલ છે. આ કંપની પર રૂ. ૯૧ હજાર કરોડનું દેવું થઇ જતાં સમગ્ર અર્થતંત્રમાં હડકંપ મચી ગયો છે. શેરબજારમાં ભૂકંપ જેવા આંચકા આવી રહ્યા છે. રોકાણકારોમાં ફફડાટ છે.

ખાસ કરીને એલઆઇસી અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે ખતરાની ઘંટી વાગી ચૂકી છે. એલઆઇસી, એસબીઆઇ, સેન્ટ્રલ બેન્ક, યુટીઆઇ સહિત કેટલીક મોટી કંપનીઓની શાખ પર ખરાબ અસર પડી છે.

આ કંપનીમાં ૪૦ ટકા ભાગીદારી ભારત સરકારની છે. એવામાં આ ડૂબતી કંપનીને સહારો આપવા સરકાર આગળ આવી છે. જૂના બોર્ડને વિખેરી નાખીને નવા બોર્ડની રચના કરવામાં આવી છે.

મોટી સંખ્યામાં કંપનીના પ્રોજેક્ટ બંધ થઇ ગયા છે. કેટલાય પ્રોજેક્ટનો ખર્ચ વધી ગયો છે તેના કારણે કંપનીના સરકાર પર રૂ. ૧૭૦૦ કરોડ બાકી નીકળે છે.

સપ્ટેમ્બર મહિનામાં કંપની લેવામાં આવેલ લોન પર વ્યાજનો હપતો ચૂકવી શકી નથી. ત્યાર બાદ તેની મુશ્કેલી વધતી ગઇ છે. કંપનીએ આગામી છ મહિનામાં રૂ. ૩૬૦૦ કરોડ કરતાં વધુ રકમ ચૂકવવાની થાય છે. કંપનીએ જેને લોન આપી છે તે પરત ભરપાઇ થઇ નથી.

સરકારે પણ આઇએલ એન્ડ એફએસ સામે તપાસ શરૂ કરી દીધી છે. સિરીયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ આઇએલ એન્ડ એફએસને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસીઝ માટે આપવામાં આવેલી લોન અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે.

You might also like