નવી દિલ્હી: દેશમાં ટ્રિપલ તલાક પર ચાલી રહેલી જોરદાર ચર્ચા વચ્ચે મુસ્લિમ મહિલાઓ સંબંધિત એક નવો મુદ્દો સામે આવ્યો છે. મુસ્લિમ મહિલાઓના એક સંગઠને જણાવ્યું હતું કે મુસ્લિમ સમુદાયને હવે એક મુસ્લિમ પરિવાર કાયદા (મુસ્લિમ ફેમિલી લો)ની જરૂર છે. આ સંગઠને સરકાર અને વિરોધ પક્ષને આ મુદ્દે રાજનીતિ નહીં કરવા અપીલ કરી છે કે જેથી એક સમતોલ અને સર્વગ્રાહી કાયદો તૈયાર કરી શકાય.
ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન (બીએમએમએ)એ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે હવે પ્રગતિશીલ મહિલાઓનો અવાજ સાંભળવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે લોકસભા દ્વારા પાસ કરવામાં આવેલ વટહુકમમાં બીએમએમએના સુધારાની માગણી પર હજુ સરકારે ધ્યાન આપ્યું નથી.
આ મહિલા સંગઠને જણાવ્યું હતું કે ઈન્ડોનેશિયા, તુર્કી, જોર્ડન અને ઈજિપ્તમાં મહિલાઓ માટે કાયદો છે એટલે સુધી કે પાડોશી રાજ્ય બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં પણ પારિવારિક અને વિવાહ સંબંધિત કાયદા છે, જ્યારે ભારતમાં મુસ્લિમ પારિવારિક કાયદો નથી. ભારતમાં પણ આ કાયદો હોવો જોઈએ કે જેનાથી ભારતીય મુસ્લિમ મહિલાઓને ન્યાય મળી શકે. મધ્યપ્રદેશના સતના નજીક નજિરાબાદમાં યોજાયેલી ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનની બેઠકમાં રજૂ કરવામાં આવેલી નવ મુદ્દાની માગણીમાં મુસ્લિમ પરિવાર કાયદાની પણ માગણી કરવામાં આવી છે.
આ બેઠકમાં ટ્રિપલ તલાકના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે ઓગસ્ટ-૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય માનીને ઐતિહાસિક પગલું ભર્યું છે, પરંતુ હલાલા, બહુપત્નીત્વ પ્રથા, લગ્નની ઉંંમર, બાળકોની કસ્ટડી, મિલકતમાં ભાગ જેવા મુદ્દાઓ છોડી દીધા છે, જ્યારે આ મુદ્દાઓ પર ભારતીય બંધારણના કેટલાક અનુચ્છેદ મુસ્લિમ મહિલાઓના અધિકારને સુનિશ્ચિત કરે છે.