પર્સનલ લોમાં ફેરફાર કરવા મુસ્લિમ મહિલાઓની પીએમને અપીલ

અલીગઢ: દેશભરની મુસ્લિમ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ‘ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન’એ મુસ્લિમ પર્સનલ લોમાં સુધારો કરવાની જરૂરિયાત અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓને પત્ર લખ્યો છે. આ સંગઠનના ૧૩ રાજ્યમાં ૭૦,૦૦૦થી વધુ સભ્યો છે.

મુસ્લિમ મહિલાઓને લૈંગિક આધારે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અનિલ દવે અને ન્યાયમૂર્તિ આદર્શકુમારની બનેલી બેન્ચે પણ નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીને નોટિસ આપીને જવાબ માગ્યો છે કે શું આ ભેદભાવને બંધારણની કલમ-૧૪, ૧પ અને ર૧ હેઠળ મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન તરીકે જોવા જોઇએ કે નહીં. આ સંગઠનની સહસંસ્થાપક ઝા‌િકયા સોમાનનું કહેવું છે કે જેન્ડર જસ્ટિસ આપણા બંધારણના પાયામાં છે. વડા પ્રધાનને પત્ર લખીને અમે મુસ્લિમ મહિલાઓની ચિંતાને ભારત સરકાર સમક્ષ વાચા આપી છે.

અમે મુસ્લિમ મહિલાઓની માગણીઓ અને તેમની ઇચ્છાઓને ધ્યાનમાં રાખીને એક મુસદ્દો પણ તૈયાર કર્યો છે. આ જોગવાઇઓનો સ્વીકાર કરવાથી મુસ્લિમ મહિલાઓને ગૌરવ સાથે જિંદગી જીવવામાં મદદ મળશે.

મહિલાઓના બંધારણીય હક પર ભાર મૂકવા માટે સંગઠને વડા પ્રધાનને એક ડ્રાફટ ડોક્યુમેન્ટ પણ મોકલેલ છે. ડ્રાફટમાં સંગઠને સૂચવ્યું છે કે એકથી વધુ લગ્ન કરવાની પ્રથાને ગેરકાયદે જાહેર કરવામાં આવે અને મુસ્લિમ મહિલાઓને સંપત્તિમાં પણ સમાન અધિકાર આપવામાં આવે.

You might also like