મુસ્લિમ પર્સનલ લૉ : કુર્રાન પર આધારિત છે : જમિયત

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓ પ્રત્યે લીંગભેદ સહિત વિવિધ મામલાઓને લઇને દાખલ થયેલી જનહિત અરજીમાં શુક્રવારે મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા એ હિન્દને પક્ષકાર બનવાની પરવાનગી આપી હતી. મુખ્ય ન્યાયાધીશ તીરથસિંહ ઠાકુર, ન્યાયમૂર્તિ એ. કે. શિકરી અને ન્યાયમૂર્તિ આર. ભાનુમતીની ત્રણ સભ્યોની પીઠે કેન્દ્ર અને આ સંગઠનને છ સપ્તાહમાં જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના એટર્ની જનરલ અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબ દાખલ કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, શું જે મુસ્લિમ મહિલાઓ ભેદભાવનો શિકાર બની રહી છે તેઓને તેમના મૂળ અધિકારનું ઉલ્લંઘન નહીં માનવું જોઇએ અને શું એ કલમ-૧૪ (સમાનતા) અને ર૧ (જીવનનો અધિકાર)માં દખલ નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એવામાં અનેક મામલાઓ સામે આવ્યા છે જેમાં જણાવાયું છે કે, છોકરીને પૈતૃક સંપત્તિમાં હિન્દુ ઉત્ત્।રાધિકાર કાનૂન હેઠળ સમાન અધિકાર મળવા જોઇએ. અનેક મામલામાં મુસ્લિમ મહિલાઓને પતિથી મળતા મનફાવે તેવા તલાક અને બીજા લગ્ન કરવા જેવા મામલામાં પહેલી પત્ની માટે સેફગાર્ડ નથી.

જમિયન ઉલેમા એ હિન્દની અરજી અનુસાર સુપ્રીમ કોર્ટ મુસ્લિમ પર્સનલ લૉમાં પ્રચલિત લગ્ન, તલાક અને ગુજારા ભથ્થાના ચલણની બંધારણીય કાયદેસરતાની પરખ કરી ન શકે કારણ કે, પર્સનલ કાનૂનોને મૌલિક અધિકારોના સહારે પડકારી શકાય નહીં. આ સંગઠનનું કહેવું છે કે, પર્સનલ લોને એ આધાર પર કાયદેસરતા નથી મળી કે તેને કોઇ કાનૂન કે સક્ષમ અધિકારીએ બનાવ્યા છે.

પર્સનલ લોના મૂળભુત સ્ત્રોત ધર્મગ્રંથમાં છે. મુસ્લિમ કાનૂન મૂળ સ્વરૂપથી પવિત્ર કુર્રાન પર આધારીત છે અને તેથી તે બંધારણની કલમ-૧૩માં જણાવેલ લાગુ કાનૂનની અભિવ્યકિતના દાયરામાં આવી ન શકે. તેની કાયદેસરતાને બંધારણના ભાગ-૩ના આધાર પર આપવામાં આવેલ પડકાર પર પરખી ન શકાય.

You might also like