પતંજલિ પ્રોડકટ્સ સામે મ‌ુસ્લિમ સંગઠને જાહેર કરેલો ફતવો

ચેન્નઈ: યોગગુરુ બાબા રામદેવની પતંજલિ પ્રોડકટ્સ વિરુદ્ધ તામિલનાડુના અેક મુસ્લિમ સંગઠને ગઈ કાલે ફતવો રજૂ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું છે કે પતંજલિની વિવિધ ચીજો બનાવવામાં ગોમૂત્રનો ઉપયોગ થઈ રહ્યો છે અને ગોમૂત્રને ઈસ્લામમાં હરામ માનવામાં આવે છે તેવો આક્ષેપ કર્યો છે.

તામિલનાડુ તૌહીદ જમાત (ટીઅેનટીજે)અે પતંજલિના કોસ્મેટિકસ, મેડિ‌સિન અને અનેક ફૂડ પ્રોડકટ્સ વિરુદ્ધ ફતવો જાહેર કર્યો છે. ટીઅેનટીજેઅે આ અંગે જણાવ્યું છે કે તમામ મુસ્લિમોઅે પતંજલિની પ્રોડકટ્સનાે ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઈઅે. જોકે જાણકારીના અભાવે અનેક મુસ્લિમો તેનો ઉપયોગ કરે છે. પતંજલિ હાલ આયુર્વેદ સાબુ, શેમ્પુ, પેસ્ટ, પાઉડર, સ્કીન ક્રીમ, બિ‌સ્કિટ, ઘી, જ્યૂસ, લોટ, રસોઈ તેલ, મસાલા, શુગર અને આટા નૂડલ્સ જેવી વિવિધ ૩૫૦ પ્રોડકટ્સ બનાવે છે.

માત્ર બે મિ‌નિટમાં ભૂખ મટાડવાનો દાવો કરનારા નૂડલ્સ અંગે બજારને વધુ અેક આંચકો લાગી શકે છે. થોડા દિવસો પહેલાં મેગી અંગેના વિવાદ બાદ હવે બાબા રામદેવે તાજેતરમાં લોન્ચ કરેલા પતંજલિ આટા નૂડલ્સ અંગે પણ વિવાદ સર્જાયો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (અેફઅેસઅેસઅેઆઈ)નું કહેવું છે કે પતંજલિઅે નૂડલ્સ લોન્ચ કરતાં પહેલાં મંજૂરી લીધી નથી. બાબા રામદેવે સંકેત વ્યકત કર્યો છે કે તેઓ તેમનો જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયનો પ્રવાસ રદ કરી શકે છે.

You might also like