રાજસ્થાનમાં ગૌચોરીની શંકાએ મારપીટથી એક યુવકની હત્યા

અલવર: રાજસ્થાનના અલવર જિલ્લામાં ફરી એક વાર કથિત ગૌરક્ષકોએ ગૌચોરીની શંકાએ મુસ્લિમ ગોપાલકો ઉપર હુમલો કરતાં એક યુવકનું મોત થયું છે. ત્યારે ગૌરક્ષાના નામે લૂંટફાટ ચલાવતી ગંેગના એક શખસની પોલીસે ધરપકડ કરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર અલવર જિલ્લામાં રાતે પશુઓને લઈ જઈ રહેલા બે લોકોને કથિત ગૌરક્ષકોએ ગૌચોરીની શંકાએ અટકાવીને તેમની મારપીટ કરી હતી. જેમાં ઉમર મહંમદ નામના યુવાનનું મોત થયું છે. જ્યારે તેની સાથે રહેલા તાહિરને પણ ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખસેડાયો છે.

આ અગાઉ પણ એપ્રિલમાં અલવરમાં જ કથિત ગૌરક્ષકોએ એક ડેરીના વેપારી પહલુખાન પર હુમલો કરતાં તેનું મોત થયું હતું. ત્યારે ફરી વાર આવી જ ઘટના હરિયાણા-રાજસ્થાન સરહદ પર બની છે.જેમાં ઉમર અને તાહિર પિકઅપ ટ્રકમાં હરિયાણાના મેવાતથી ગાયો લઈને ભરતપુર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક ટોળાંએ તેમને અટકાવી મારપીટ કરી હતી.

જેમાં ગંભીર રીતે ઘવાયેલા ઉમરનું મોત થયાનું જાણવા મળતાં જ મેવ સમુદાયના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમાં મેવ સમુદાયના લોકોએ આક્ષેપ કર્યો હતો કે ઉમરને ગોળી મારીને મોતને ઘાટ ઉતારાયો છે. જ્યારે તેની સાથે રહેલા તાહિરને પણ ગોળી વાગતાં તેને પણ ગંભીર ઈજા થઈ છે. આ મામલે ગોવિંદગઢ પોલીસ મથકમાં હત્યાનો કેસ દાખલ થયો છે.

You might also like