રામ મંદિર બનાવવા સેંકડો મુસ્લિમો અયોધ્યા પહોંચ્યા

લખનૌ: અયોધ્યામાં રામ મંદિરનો વિવાદ શમવાનું નામ લેતો નથી. હવે મુસ્લિમ સમુદાયના એક વર્ગે રામ મંદિર બનાવવાની હિમાયત શરૂ કરી દીધી છે. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મુસ્લિમ કારસેવક મંચના લોકોએ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

મહત્ત્વની વાત એ છે કે રામ મંદિરના મુદ્દાને વિકાસથી પણ મોટો હોય તે રીતે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે. શ્રીરામ જન્મભૂમિ મુસ્લિમ કારસેવક મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ આઝમખાને આ અંગે પોતાની માગણી રજૂ કરી છે. તેઓ અયોધ્યામાં રામચંદ્ર પરમહંસની સમાધિ પર પહોંચી ગયા હતા અને રામ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આઝમખાન સાથે મુુસ્લિમ સમુદાયના અન્ય લોકો પણ જોડાયા હતા.

આઝમખાને જણાવ્યું હતું કે રામ મંદિરનો મુદ્દો વિકાસથી પણ મોટો છે. તેમણે કહ્યું હતું કે અમારે વિકાસ નહીં, પરંતુ રામ મંદિર જોઇએ છે. હું મારા મુસ્લિમ બિરાદરોને જણાવું છું કે તેઓ રામ મંદિરને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવે અને રામમંદિર નિર્માણ માટે આગળ આવે. આ ભારત માટે અને મુસ્લિમ સમુદાય માટે ગર્વનો વિષય છે.

આઝમખાનના મતે અયોધ્યામાં બાબરી મસ્જિદ બનશે તો ભગવાન શ્રીરામનું અપમાન થશે. રામ મંદિર ત્યાં જ બનવું જોઇએ જ્યાં રામનો જન્મ થયો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે મસ્જિદ માટે સરકાર બીજે જગ્યા ફાળવે અને મસ્જિદ બાબરના નામે નહીં, પરંતુ અશફાઉલ્લાખાંના નામે બને, કારણ કે બાબરનું નામ સાંભળતાં જ ગુલામીનો અહેસાસ થાય છે.
http://sambhaavnews.com/

You might also like